વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં સોમવારે આયોજિત એક સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર બંધારણને નજરઅંદાજ કરવાનો આરોપ મૂકવાની સાથે વક્ફ એક્ટના વિરોધની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસને મુસ્લિમો સાથે એટલો જ પ્રેમ છે, તો તે તેમને પક્ષના અધ્યક્ષ કેમ નથી બનાવતી. ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસલમાનોને કેમ નથી આપતી?
વકફ કાયદાની તરફેણ કરવા સાથે વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે જો દેશમાં વકફની જમીનોનો યોગ્ય અને ઈમાંદારીથી ઉપયોગ થયો હોત તો આજે મુસ્લિમ યુવકોને પંચર કરવા ના પડત. જમીન માફિયાઓ માટે જ વકફની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એ જ રીતે મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરીને એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ પાર્ટી દેશમાં વૉટબેંકનું વાયરસ ફેલાવે છે અને સમાજમાં ભાગલા પડાવી પોતાનું હિત સાધે છે. આ પક્ષની દાનત પહેલાથી જ સારી નથી.
કોંગ્રેસ સત્તા માટે બંધારણનો ઉપયોગ કરી રહી હોવાનો આરોપ મૂકતાં વડાપ્રધાને આગળ કહ્યું કે, ‘કોંગ્રેસ હંમેશા સત્તા પર કબજો મેળવવા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ કોંગ્રેસે કટ્ટરપંથી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા વક્ફ એક્ટ 2013માં સુધારો કર્યો હતો. ચૂંટણી જીતવા માટે તેણે કાયદો ઘડી બંધારણને નબળુ પાડ્યું.
જો કોંગ્રેસને મુસ્લિમો સાથે આટલો જ પ્રેમ હોય તો કોઈ મુસ્લિમને કેમ પક્ષના અધ્યક્ષ નથી બનાવતી, કેમ ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસ્લિમોને ફાળવતી નથી. કોંગ્રેસે ઈમરજન્સી લાદી બંધારણની ખીલ્લી ઉડાવી હતી. સત્તા જાળવી રાખવા માટે બંધારણની ભાવનાને ઠેસ પહોંચાડી.’