કોલેજના મિત્રો સાથે ફરવા ગયા’ને…મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ : સંતાનો ગુમાવનાર વાલીઓની દર્દભરી લાચારી
30 ઓક્ટોબર 2022ની એ તારીખ જે મોરબીના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાઈ ગયો છે એ ગોઝારો દિવસ જે દિવસે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં બાળકો, મહિલાઓ સહીત 135 થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે અંગેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે જોકે દુર્ઘટનામાં પોતાના બાળકો ગુમાવનાર વાલીઓની આંખોના અશ્રુ આજે પણ સુકાયા નથી.

30 ઓક્ટોબર 2022ના રોજ દિવાળીની રજાઓ બાદ સહેલાણીઓ મોરબીના ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા પરિવાર, મિત્રો સાથે ફરવા ગયેલા સહેલાણીઓને કલ્પના પણ નહિ કરી હોય કે મોરબીનો 135 વર્ષ કરતા વધુ જુનો મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ તૂટી જશે આઠેક માસ મેન્ટેનન્સ માટે બંધ માટે બંધ રાખીને 26 ઓક્ટોબર 2022 ના રોજ ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પાંચમાં દિવસે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નાગરિકોના મોત થયા હતા દિવાળીની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઝૂલતો પુલ પર ફરવા માટે ગયા હતા જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહીત 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જોકે દુર્ઘટનાને ત્રણ વર્ષ વીત્યા બાદ પણ ભોગ બનનાર પરિવારો એ ગોઝારા દિવસને આજે પણ ભૂલી શક્યા નથી.

કોલેજના મિત્રો સાથે ફરવા ગયા અને ચારેય મિત્રોના થયા હતા મોત
ઝૂલતો પુલ દુર્ઘટનામાં પોતાનો યુવાન દીકરો ગુમાવનાર રાજેશભાઈ સનુરા ભારે હૈયે આપવીતી વર્ણવતા જણાવે છે કે તેનો 19 વર્ષનો દીકરો સંદીપ કોલેજના મિત્રો સાથે ઝૂલતો પુલ પર ફરવા ગયો હતો અને પુલ તૂટી જતા ચારેય મિત્રો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા અને ચારેય મિત્રોના અંતિમ સંસ્કાર ધોળેશ્વર સ્મશાન સાથે એકસાથે કરવામા આવ્યા હતા રાજેશભાઈના ત્રણ પૈકી સૌથી નાનો પુત્ર સંદીપ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે જે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો પિતાએ આશાસ્પદ યુવાન પુત્ર ગુમાવ્યાનું દુખ આજે પણ તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ સકાય છે

પુલ પર ગયાને 10 મિનીટમાં પુલ તુટ્યોઃ નરેન્દ્રભાઈ પરમાર
મોરબીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ પરમારે આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે રવિવારનો દિવસ હોવાથી સાંજે સવા છ વાગ્યે દીકરો અને દીકરીને લઈને ઝૂલતો પુલ ગયા હતા અને માત્ર દશેક મિનીટમાં તો પુલ તૂટી પડ્યો હતો અને 10 વર્ષની દીકરી ધ્વની પાણીમાં ડૂબી જતા મોત થયું હતું નરેન્દ્રભાઈ અને તેનો સાત વર્ષનો દીકરો પણ પાણીમાં પડયા હતા જેમાં નરેન્દ્ર ભાઈને ઈજાઓ પહોંચી હતી શિક્ષકે પોતાની 10 વર્ષની દીકરી ધ્વનીને હમેશા માટે ગુમાવી દીધી હતી અને ઝૂલતો પુલ દુર્ઘટના નરેન્દ્રભાઈના હૃદય પર ક્યારેય ના ભરાઈ સકે એવો ઘાવ આપતું ગયું છે.
