ષડયંત્ર રચી ‘લવજેહાદ’ કરનારાને ક્યારેય નહીં છોડીએ! સાચો પ્રેમ કરતા હોય તેમને હેરાન ન કરવા હર્ષ સંઘવીએ કરી પોલીસને ટકોર
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીએ તેમના વતન સુરતની મુલાકાત પોલીસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં સંબોધન કરતા તેમણે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ષડયંત્ર રચી `લવજેહાદ’ કરનારાને ક્યારેય છોડવામાં નહીં આવે અને આવા લોકો ઉપર તૂટી પડવા પોલીસને પણ તેમણે છૂટ આપી હતી સાથે સાથે એવી ટકોર પણ કરી હતી કે સાચો પ્રેમ કરતા હોય તેમને હેરાન ન કરવા. આ ઉપરાંત તેમણે પોલીસને આદેશ આપ્યો હતો કે નાના-નાના ડ્રગ્સ પેડલરોને વીણી વીણીને જેલમાં પૂરી દો.
ડ્રગ્સ વિશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ દૂષણને રાજ્યમાંથી ઉખેડી ફેંકવાનો સરકારનો સંકલ્પ છે. ડ્રગ્સ વિરુદ્ધ આ અભિયાન નહીં બલ્કે લડત છે. કેન્દ્રીય એજન્સીઓ ડ્રગ્સ નેટવર્કને ભેદી રહી છે એટલા માટે હવે નાના-નાના પેડલરો કે જેઓ છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરે છે તેના ઉપર બાજનજર રાખીને કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. આ માટે નવા વર્ષથી જ કાર્યવાહી શરૂ કરી દેવા આદેશ અપાયો હતો. એક પણ એવો ડ્રગ્સ પેડલર ન બચવો જોઈએ જે આ ધંધા સાથે સંકળાયેલો હોય.
લવજેહદ મુદ્દે તેમણે ઉમેર્યું કે સરકાર પ્રેમની વિરોધી નથી. પ્રેમનો અધિકાર સૌને છે પરંતુ ષડયંત્ર રચીને લવજેહાદ થશે તો તેને ચલાવી લેવાશે નહીં. જો કોઈ યુવક સોશ્યલ મીડિયા કે ડિઝિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા તેને ફસાવવા માટે નામ બદલી નાખે તો તે ચલાવી લેવાશે નહીં.
લોકો પોલીસની ગાડી જૂએ એટલે વિશ્વાસ આવી જાય તેવું કામ કરો
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું નથી. ખાખી વર્દી દ્વારા લોકોમાં ખુશી આવે તેવું પણ કામ કરે છે ત્યારે આવનારા સમયમાં લોકો પોલીસની ગાડી જુએ એટલે વિશ્વાસ આવી જાય તેવું કામ કરવું જોઈએ.
