રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લઈ આજ સુધીમાં અનેક વિવાદો થઈ ચૂક્યા છે. પાર્કિંગમાં ઉઘાડી લૂંટ, મુસાફરોને ૩૨ કિલોમીટર સુધી લાંબું થવું, ટર્મિનલની કેનોપી તૂટી પડવી, ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ ન થવી ઉપરાંત દરરોજ ફ્લાઈટ મોડી પડવી તેમજ ગમે ત્યારે કેન્સલ થઈ જવા સહિતની અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. એરપોર્ટ પરથી દરરોજ ૧૫૦૦થી વધુ મુસાફરોની અવર-જવર નોંધાઈ રહી છે પરંતુ દરરોજ ફ્લાઈટ વિલંબિત થવાને કારણે હોબાળો થયા વગર રહેતો નથી. એકંદરે છેલ્લા ૩૫ દિવસમાં ૩૦ ફ્લાઈટ મોડી પડવા અને ૬ ફ્લાઈટ રદ્દ થવાને કારણે બન્ને એર લાઈન્સનેલેઈટલતીફી’ બંધ કરવા માટે ઓથોરિટી દ્વારા ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એરપોર્ટ પરથી અત્યારે દિલ્હી, મુંબઈ, સુરત, અમદાવાદ, બેંગ્લોર, પૂના અને ગોવા એમ સાત શહેરોની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જો કે તા.૧ જૂલાઈથી લઈને ૪ જૂન સુધીના ૩૫ દિવસની અંદર દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરની ફ્લાઈટ વારંવાર વિલંબિત થઈ રહી છે અને વિલંબ થવાનો સમય ૧૫ મિનિટથી લઈને બે કલાક સુધીનો હોય છે.
એકંદરે ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટથી ૩૨ કિલોમીટર દૂર હોવાથી લોકોએ બે કલાક વહેલા પહોંચવું પડે છે જેથી લગભગ દરેક મુસાફરો પૂરપાટ ઝડપે જ એરપોર્ટ પહોંચવાનો આગ્રહ રાખતાં હોય છે પરંતુ જેવા એરપોર્ટ પર પહોંચે એટલે ફ્લાઈટ લેઈટ હોવાનો મેસેજ મળતાં જ રોષ વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી. એવું નથી કે રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરનારી ફ્લાઈટ વિલંબિત થઈ રહી છે. અહીંથી વિલંબિત થઈ હોય તેવી ફ્લાઈટની સંખ્યા બહુ જૂજ છે પરંતુ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી રાજકોટ આવનારી ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર મોડી પડતી હોવાથી મુસાફરોએ એરપોર્ટ ઉપર જ બેસી રહેવું પડે છે સાથે સાથે અનેક મુસાફરો કનેક્ટિંગ ફ્લાઈટ મતલબ કે અન્ય દેશ કે રાજ્યની ફ્લાઈટ પણ ચૂકી રહ્યા છે.
આ બધી સમસ્યાને ધ્યાનમાં રાખીને જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઈન્ડિગો અને એર ઈન્ડિયા એર લાઈન્સને ફ્લાઈટનું સંચાલન સુચારું રૂપે થાય તેવી કડક તાકિદ કરવામાં આવી છે ત્યારે તેની અસર કેવી પડે છે તે તો આવનારો સમય જ કહેશે !
રવિવારે બે ફ્લાઈટ મોડી
એરપોર્ટ પર ફ્લાઈટનું સંચાલન ઠીક થવાનું નામ જ લઈ રહ્યું ન હોય તેવી રીતે રવિવારે પણ બે ફ્લાઈટ મોડી પડી હતી. આ ફ્લાઈટમાં ઈન્ડિગોની બપોરે ૧૨:૨૦ વાગ્યે ઉડાન ભરનારી ફ્લાઈટ સામેલ છે જે ૧૨:૨૦ની જગ્યાએ ૧ વાગ્યે ઉડી હતી. આ જ રીતે ઈન્ડિગોની બપોરે ૩:૦૫ વાગ્યાની બેંગ્લોરની ફ્લાઈટ છેક ૬:૧૦ વાગ્યે ઉડાન ભરતાં મુસાફરો રીતસરના અકળાઈ ઉઠ્યા હતા. આ બન્ને ફ્લાઈટ મોડી પડવા પાછળ ઓપરેશનલ કારણ આગળ ધરી દેવાયું હતું.