રાઇડ્સ સંચાલકોએ બહિષ્કાર કરતા હવે 5મીએ ફેર હરરાજી
લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલનો ડ્રો સંપન્ન : ખાણીપીણીમાં એક પ્લોટના હરરાજીમાં 2.80 લાખ ઉપજ્યાં
રાજકોટ : જન્માષ્ટમીના લોકમેળા માટે શનિવારે સ્ટોલ અને પ્લોટ માટે ડ્રો અને હરરાજી યોજવામાં આવી હતી જેમાં રમકડાં અને ખાણીપીણીના સ્ટોલના ડ્રો બાદ હરરાજી યોજવામાં આવતા આકરા નિયમોથી અકળાયેલા રાઇડ્સ સંચાલકોએ હરરાજીમાં ભાગ લેવાનો બહિષ્કાર કરી દેતા લોકેમેળા સમિતિ દ્વારા હવે વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની હરરાજી પાંચમી ઓગસ્ટે યોજવામાં આવી છે.
આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે શનિવારે સીટી પ્રાંત-1 કચેરી ખાતે સ્ટોલ -પ્લોટની હરરાજી તેમજ ડ્રો રાખવામાં આવ્યા હતા જેમાં રમકડાં, ખાણીપીણી, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના ચાર કેટેગરીના 121 સ્ટોલ પ્લોટ માટે ડ્રો સંપન્ન થયા બાદ હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ખાણીપીણીનો એક પ્લોટ રૂપિયા 2.80 લાખની ઉંચી બોલીએ હરરાજીથી આપવામાં આવ્યો હતો. જો કે, ખાણીપીણીમાં કુલ બે પ્લોટ હોય બીજા પ્લોટ માટે ફોર્મ ભરનાર ચાર પૈકી અન્ય ધંધાર્થીઓ બોલી બોલવા આવ્યા ન હોય એક જ પ્લોટની હરરાજી થઇ હતી.
બીજી તરફ લોકમેળામાં રાઇડ્સ માટે આકરા નિયમો અમલી બનાવવામાં આવતા રાઇડ્સ સંચાલકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો અને એમ્યુઝમેન્ટ એસો. તેમજ રાઇટ્સ સંચાલકો ઝાકીરભાઇ તેમજ હારૂનભાઇ સામદાર, અશોકભાઇ સહિતનાઓએ આ મામલે જણાવ્યું હતું કે રાઇડ્સ માટે જે એસઓપી પ્રસિધ્ધ કરવામાં આવી છે તે અમોને માન્ય નથી. એસઓપી (આકરા નિયમો)માં છુટછાટ આપવામાં આવે તો જ હરરાજીમાં ભાગ લઇ શકાય તેમ છે. આ ઉપરાંત રાઇડ્સની ટીકીટ પણ વધારી રૂા.50 અને 70 કરવાની જરૂર હોવાની માંગ ઉઠાવી હતી.
જો કે, રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાઇડ્સ સંચાલકોના બહિષ્કાર બાદ ખાણીપીણી, કોર્નર ખાણી-પીણી, એક્સ – આઈસક્રીમ, ઝેડ ટી કોર્નર અને યાંત્રિક કેટેગરીના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-1 કચેરી ખાતે બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમ જાહેર કરી વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.