અકસ્માત સર્જનાર બસ સહિત 78 બસનું સંચાલન વિશ્વમ એજન્સીના હાથમાં : ડ્રાઇવર-કંડક્ટરની ‘ભલામણ’ ભાજપ નેતા કરતાં હોવાની ચર્ચા
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સવારે 9:51 વાગ્યાના અરસામાં મહાપાલિકાની સિટી બસ નં.જીજે૩બીઝેડ-0466 નંબરે ટ્રાફિક સિગ્નલ પર એક બાદ એક વાહનચાલકોને હડફેટે લેતાં ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ અત્યંત ગોઝારી ઘટના બન્યા બાદ મહાપાલિકા, પોલીસ સહિતના તંત્ર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે એવી વિગત પણ સામે આવી છે કે જે બસે અકસ્માત સજર્યો તેનું સંચાલન વિશ્વમ એજન્સીના હાથમાં છે અને તે અત્યારે રાજકોટમાં 78 સિટી બસનું સંચાલન કરી રહી છે.
મહાપાલિકા દ્વારા ડિસેમ્બર-2022થી દિલ્હી સ્થિત પીએમઆઈ ઈલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન પ્રા.લિ.ને સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પીએમઆઈ દ્વારા પેટા કોન્ટ્રાક્ટર તરીકે વિશ્વમ અને નારાયણા એમ બે એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ બન્ને એજન્સી બસમાં ડ્રાયવર-કંડક્ટર પૂરા પાડવાનું કામ કરે છે. જે ચાલકે અકસ્માત કર્યો તે બસ અટલ સરોવર કે જ્યાં સિટી બસનું પાર્કિંગ છે ત્યાંથી સવારે 6:30 વાગ્યે નીકળીને પ્રદ્યુમન પાર્ક ગઈ હતી.

ડ્રાઇવર-કંડક્ટરની ‘ભલામણ’ ભાજપ નેતા કરતાં હોવાની ચર્ચા
ડ્રાઇવર-કંડક્ટર તરીકે કોને રાખવા તેની ‘ભલામણ’ ભાજપ નેતા કરતાં હોવાની ચર્ચા અકસ્માતની ઘટના બાદ જેટલા મોઢા એટલી વાતો વહેતી થઈ જવા પામી હતી ત્યારે એવી વિગત પણ સામે આવી રહી છે કે વિશ્વમ એજન્સીના સંચાલન પાછળ ભાજપના જ એક નેતાનો દોરીસંચાર છે. આ નેતા વોર્ડ નં.૪માં સારો એવો હોદ્દો ધરાવે છે અને તેમની ‘ભલામણ’ના આધારે જ ડ્રાઇવર-કંડક્ટર તરીકે કોને રાખવા તેનો નિર્ણય લેવામાં આવે છે. જો કે મહાપાલિકા દ્વારા આ પ્રકારે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રાજકીય ગલિયારાઓમાં આ ચર્ચાએ જોર પકડી લીધું છે.
બ્રેક ખરાબ કે ફેઇલ થયાની વાત ખોટી
મહાપાલિકાના અધિકારી સૂત્રોએ છાતી ઠોકીને કહ્યું હતું કે બ્રેક ખરાબ થઈ જવાની કે ફેઈલ થઈ જવાને કારણે અકસ્માત સર્જાયાની વાત બિલકુલ ખોટી છે. આ પાછળ તેમણે કારણ પણ આપ્યું કે સવારે ૬:૩૦ વાગ્યે અટલ સરોવરથી બસ રવાના થઈ હતી ત્યારે અંદર એ.સી.બરાબર કામ કરી રહ્યું છે, તમામ સીટ ચોખ્ખી છે કે નહીં, બ્રેક, એકસેલેટર સહિતનું બરાબર કામ કરે છે કે નહીં તે બધી જ ચકાસણી કરાયા બાદ જ બહાર નીકળવા દેવામાં આવે છે. અકસ્માત સર્જનાર બસનું પણ ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત બસે અંદાજે ૧૮ કિલોમીટર દોડયા બાદ અકસ્માત કર્યો હોવાથી જો બ્રેક ખરાબ કે ફેઈલ હોય તો તુરંત જ ખ્યાલ આવી જાય છે એટલા માટે આ કારણ બિલકુલ પાયાવિહોણું છે.
યમદૂત ડ્રાયવરની તસવીર

અકસ્માત કરનાર બસ 2023માં આવી હતી
જે બસે અકસ્માત કર્યો તે બસ પ્રથમ ઈલેક્ટ્રિક બસના જથ્થામાં ૨૦૨૩માં રાજકોટ આવી હતી. જ્યારે ચાલક શિશુપાલસિંહને ચાર વર્ષ પહેલાં એટલે કે જ્યારે ડીઝલ બસ ચાલતી હતી ત્યારનો ડ્રાયવર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. તે છેલ્લા દોઢ વર્ષથી ઈલેક્ટ્રિક બસને ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
ડ્રાઇવર અકસ્માત કરે તો જ નોકરી પરથી કાઢવાના બાકી દંડ જ વસૂલવાનો !
વળી, એવો નિયમ પણ છે કે કોઈ ડ્રાઇવર દ્વારા અકસ્માત કરવામાં આવે તો જ તેને નોકરી પરથી કાઢવામાં આવે છે બાકી કોઈ મુસાફર સાથે તોછડું વર્તન કરે, પૂરપાટ ઝડપે બસ હંકારે, ગમે ત્યાં બસ ઉભી રાખી દે તો માત્ર તેની પાસેથી દંડની જ વસૂલાત કરવાની રહે છે. આવું જ કંઈક કંડક્ટરોનું પણ છે.