રાજકોટમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનાર વધુ 20 આસામીઓ સામે શરતભંગ : બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, નાના મવા, મવડી-પાળ રોડ અને ઘંટેશ્વર સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ ખેતીની જમીન બિનખેતી કરાવ્યા વગર જ પાર્ટી પ્લોટ, ઢાબા, હોટલ તેમજ અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ થઇ રહી હોવાનું ફરિયાદો બાદ જિલ્લા કલેકટર દ્વારા શરતભંગના આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે જેમાં શહેર આજુબાજુના 20 જેટલા આસામીઓ વિરુદ્ધ શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા તાજેતરમાં કોઠારીયા-ખોખડદળ, નવાગામ આણંદપર વિસ્તારમાં આવેલ ત્રણ અલગ અલગ પાર્ટીપ્લોટના સંચાલકો વિરુદ્ધ ખેતીની જમીનનો ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ કરવા સબબ લાખો રૂપિયાનો દંડ ફટકરવા હુકમ કરી તમામ મામલતદારોને તેમના વિસ્તારમાં ખેતીની જમીનમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પગલાં ભરવા આદેશ કરવાની સાથે બિનખેતી શરતભંગ શાખાને પણ એક્ટિવ મોડમાં લાવતા હાલમાં શહેરની આજુબાજુના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરનાર 20 જેટલા આસામીઓ સામે શરતભંગની નોટિસો ફટકારવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : ઋષભ પંત ટેસ્ટ સિરીઝમાંથી બહાર : પગની આંગળીમાં ફ્રેક્ચર થતા 6 સપ્તાહ નહીં રમી શકે,આ ખેલાડીને મળી શકે છે તક
ખેતીની જમીનમાં ધમધમતા બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં

રાજકોટ શહેરમાં હાલમાં બોક્સ ક્રિકેટનો ધીકતો ધંધો શરૂ થયો છે. જેમાં મોટાભાગના બોક્સ ક્રિકેટના હાટડા રહેણાંક હેતુની જમીન ઉપર હોવાની સાથે શહેરની અંદર અને બહારના સ્થળોએ અનેક બોક્સ ક્રિકેટના હાટડા ખેતીની જમીન ઉપર ચાલી રહ્યા હોવાથી મહેસુલી તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ તેમજ અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિની સાથે હવે બોક્સ ક્રિકેટને પણ રડારમાં લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
