જામનગરી જોટો, દહીંવાળા ઘૂઘરા, ભેળવાળી ચોળાફળી…ખાવા માટે થાય છે પડાપડી…!
કંઈક નવું જમવા માટે ટેવાયેલા' રાજકોટીયન્સ માટે નાસ્તાની એક-એકથી ચડિયાતી ડિશ
નાના નહીં મોટા પાંઉમાં બટેટા-ચીઝ-સીંગદાણા'ને લસણની ચટણીથી તૈયાર થતો તીખો તમતમતો જામનગરી જોટો રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ
નાના-મોટા ઘૂઘરા તો ઘણી જગ્યાએ મળે છે પણ ત્રણ ચટણીથી
લબાલબ’ દહીંવાળા ઘૂઘરા ખાવા હોય તો હેમુ ગઢવી હોલ પાછળ આવવું જ પડશે
ચટણી’ને ચોળાફળીનો જમાનો ગયો હવે તેમાં પણ વેરિયેશન' આવી ગયું
રાજકોટીયન્સને ભોજન કે નાસ્તાનું પૂછવામાં આવે એટલે ફટાક દઈને એક જ જવાબ હોય કે
નવું શું છે ?’ મતલબ કે હંમેશા કંઈક નવું નવું ટ્રાય કરવા માટે રાજકોટ જાણીતું છે. આમ તો દેશ-દુનિયાની ખાણીપીણીની લગભગ દરેક આઈટમ ઉપલબ્ધ જ હોય છે આમ છતાં ઘણી એવી ડિશ છે જે આમ જૂની છે પરંતુ શહેરમાં બહુ ઓછી જગ્યાએ તે મળે છે. આવી જ અમુક ડિશની વણઝાર વોઈસ ઓફ ડે' પોતાના સ્વાદશોખીન વાંચકોને પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આ ડિશનું નામ સૌ કોઈ જાણે છે પરંતુ રાજકોટમાં ટેસ્ટી ક્યાં મળે તેની શોધમાં હોય છે ત્યારે આ માટે લોકોએ બહુ દૂર નહીં બલ્કે શહેરની વચ્ચોવચ્ચ આવેલા એક વિસ્તારમાં જ જવાનું છે. આ વાનગીનું નામ છે જામનગરી જોટો, દહીંવાળા ઘૂઘરા અને ભેળવાળી ચોળાફળી...આ ત્રણેયને ખાવા માટે રીતસરની પડાપડી પણ થઈ રહી છે ! સૌથી પહેલાં જામનગરી જોટાની વાત કરવામાં આવે તો આ વાનગી મુળ જામનગરની છે પરંતુ ૨૦૧૪થી રાજકોટમાં બની રહી છે અને વેચાઈ રહી છે. જામનગરની તુલનાએ રાજકોટના જોટાના પાંઉ મોટા હોય છે.
સામાન્ય રીતે જોટો બને ત્યારે તીખું ખાવાની આદત ન હોય તેની આંખ બંધ થઈ જશે તે વાતની ગેરંટી છે કેમ કે આમાં લસણની ચટણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જે ખાધાં બાદ શરીરમાંથી પરસેવો ઉતરવા લાગશે તે પાક્કું છે ! જામનગરી જોટામાં લસણની ચટણી ઉપરાંત બટેટાની સ્લાઈડ, સીંગદાણા, ચીઝ સહિતનો ઉપયોગ કરવામાં આવે છે જેની કિંમત ૫૦ રૂપિયા છે. આ જ રીતે આપણે ઘૂઘરા તો રાજકોટમાં ઠેકઠેકાણે ખાધાં હશે પરંતુ દહીંવાળા ઘૂઘરા ખાવા હોય તો હેમુ ગઢવી હોલ પાછળ આવેલા જે.જે.ઘૂઘરા સુધી જવું જ પડશે કેમ કે રાજકોટમાં એકમાત્ર અહીં જ દહીંવાળા ઘૂઘરા ઉપલબ્ધ હોવાનું તેના માલિક અમિતભાઈ ધીરૂભાઈ ઉમરાણિયાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ ડીશમાં ઘૂઘરાના નાના કટકા કરીને ત્રણ ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ડુંગળી અને સીંગદાણાનો ઉપયોગ કરીને ડીશ તૈયાર કરવામાં આવે છે. આ ઘૂઘરા પણ ૨૦૧૪થી રાજકોટમાં વેચાઈ રહ્યા છે. આ જ રીતે શહેરમાં ચોળાફળીનો
શોખીન’ પણ એક વર્ગ છે જે સપ્તાહમાં બે-ત્રણ વખત આ વાનગી ન ખાય તો તેને ચેન પડતું નથી. જો કે હવે ચોળાફળીમાં પણ વેરિયેશન લાવવાનું કામ અમિતભાઈ ઉમરાણિયાએ કર્યું છે. આ ડીશમાં નાની ચોળાફળીનો ભૂક્કાો કરીને તેમાં ભેળ, સીંગદાળા, ડુંગળી અને દહીં નાખવામાં આવે છે જેની એક ડિશ ખાવ એટલે ધરાઈ જાવ તેની ગેરંટી પૂરી છે.
સવારે ૧૧થી ૪:૩૦ સુધી ઘૂઘરા-પકોડા, ૪:૩૦થી જોટા સહિતનું વેચાણ
અમિતભાઈ ઉમરાણિયા જણાવે છે કે તેઓ સવારે ૧૧ વાગ્યાથી વાનગીનું વેચાણ શરૂ કરી દે છે. જો કે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૪:૩૦ વાગ્યા સુધી ઘૂઘરા અને બ્રેડ પકોડાનું વેચાણ કરે છે અને બપોરે ૪:૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી જામનગરી જોટો, દહીંવાળા ઘૂઘરા, ભેળવાળી ચોળાફળી, દાબેલી, હોટડોગ, દહીંકચોરી, દહીંવડા સહિતનું વેચાણ કરે છે. આમ સવારે ૧૧થી રાત્રે ૧૧ વાગ્યા સુધી તેમને ત્યાં ખાણીપીણીના શોખીનોનું કીડિયારું ઉભરાયેલું જ રહે છે.
પિતાએ શરૂ કરેલો વ્યવસાય પુત્રએ આગળ ધપાવ્યો
જામનગરી જોટો, ઘૂઘરા, પકોડા સહિતનો વ્યવસાય અમિતભાઈના પિતા ધીરૂભાઈ ઉમરાણિયાએ શરૂ કર્યો હતો. જ્યારે તેમણે વ્યવસાય શરૂ કર્યો ત્યારે આ જોટો, ઘૂઘરા, ચોળાફળી સહિતની ડિશનો ભાવ ૩૦ રૂપિયા હતો જે અત્યારે ૫૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. પિતાના વારસાને પુત્ર અમિતભાઈ છેલ્લા ૧૩ વર્ષથી આગળ ધપાવી રહ્યા છે.
અમુલ બટર-ચીઝથી જ દરેક વાનગી તૈયાર કરવાનો આગ્રહ
અમિતભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ વાનગીને ટેસ્ટી બનાવવા માટે તેમાં બધી વસ્તુ અસલ વાપરવામાં આવે તે જરૂરી બની જાય છે. આ જ વાતને ધ્યાનમાં રાખી હું દરેક વાનગીમાં અમુલનું બટર અને અમુલના જ ચીઝનો ઉપયોગ કરી રહ્યો છું. આ ઉપરાંત અન્ય સામગ્રી પણ ઉમદા કક્ષાની ઉપયોગ કરી રહ્યો હોવાથી અન્ય કરતા અમારો ટેસ્ટ અલગ પડે છે. આ વ્યવસાયમાં મને મારા પત્ની સહિતના પરિવારજનો પણ મદદરૂપ થઈ રહ્યા છે.