રાજકોટમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ: વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન,7000થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ, તૈયારીઓને ફાઇનલ ટચ
રાજકોટમાં વાઇબ્રન્ટ વેવ્ઝ છે. આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું ઉદ્ઘાટન કરાશે. રાજકોટ-મોરબી હાઇ-વે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ, એક મુખ્ય ઇનોગ્રલ ડોમ મળી કુલ 7 ડોમ તૈયાર થઇ ગયા છે. ઇનોગ્રલ હોલમાં વડાપ્રધાન વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરી ઉદ્યોગકારો, બિઝનેસ ડેલિગેશનને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ અને 7000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે.

11મીએ રવિવારે બપોરે પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કરી ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડમાં બનાવાયેલા હેલિપેડ પર આગમન કરશે. જ્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 55 એકર વિશાળ જગ્યામાં એક્ઝિબિશન માટે 26,400 સ્ક્વેર મીટરમાં 7 ડોમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દેશ-વિદેશથી આવેલી વિવિધ કંપનીઓએ સ્ટોલ રાખ્યા છે. જ્યારે પ્રોડક્ટ એક્ઝિબિશન રખાશે.

આવતીકાલથી શરૂ થઇ રહેલી વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ ચાલી રહ્યું છે. કંપનીઓના એક્ઝિબિશન માટે સ્ટોલ, સ્ટાર્ટઅપ માટે સ્ટોલ, એમએસએમઇ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. બે દિવસ સુધી કોન્ફરન્સ, સેમિનાર, કોન્ક્લેવ યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક ટોચની કંપનીઓએ ભાગ લીધો છે.


