ભાવનગરના સિહોર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો
વલસાડમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો: અંબાજી, અરવલ્લી, સાબરકાંઠામાં માવઠું: શામળાજીમાં ધોરધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તે પ્રમાણે ભાવનગર, વલસાડ, અંબાજી, સાબરકાંઠા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાં આંશિક રાહત મળી હતી. તો બીજી તરફ કેરીનાં પાકને નુકસાન જવાની ભીતિ સર્જાઇ છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અંગેની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સાચી ઠરી હતી અને છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું છે.
સોમવારે ભાવનગર પંથકના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભાવનગરના સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજવદર સહિતના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ ખબક્યો હતો. જ્યારે સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હતું. આ ઉપરાંત બોટાદ અને બરવાળામાં પણ કમોસમી વારસાદ ખાબક્યો હતો.
અમરેલીમાં પણ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની સમરીઓ ઉડી હતી. બાદમાં વરસાદ આવતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
બીજી તરફ વલસાડમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાના પાતરા અને શેડ ઉડ્યાં હતા. વલસાડમાં મીની વાવાઝોડા જેવા પવનને કારણે અનેક જગ્યા વૃક્ષ ધરાસાઈ થવાના તેમજ વીજપોલ પડી ગયાના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું હતું. કમોસમી વરસાદને કારણે કેરીનાં પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી. આ ઉપરાંત અંબાજી, અરવલ્લીના શામળાજી પંથકમાં ધોધમાર વરસાદને કારણે શામળાજી મંદિર તરફ જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત સાબરકાંઠા પંથકમાં પણ હળવો વરસાદ થયો હતો.
આજે રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં માવઠાની શક્યતા
હવામાન વિભાગે રાજ્યના ૨૦થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ અંગે ત્રણ દિવસની આગાહી કરી છે. જેમાં આજે એટલે કે તા.૧૪મીએ સુરેન્દ્રનગર, બોટાદ ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. તા.૧૫મીએ જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, જ્યારે તા.૧૬મીએ ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે.