- મોરબીના 7 માસના અને પડધરીના 3 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જણાતા સારવારમાં ખસેડી સેમ્પલ ગાંધીનગર મોકલાયા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા પોઝિટિવ કેસ પણ જાહેર થયા છે. અને પોઝિટિવ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. આ દરમિયાન રાજકોટ સિવિલમાં વધુ બે બાળકને ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરવામાં આવ્યા છે.જેમાં મોરબીના ૭ માસના બાળક અને પડધરીના 3 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળતા તેને દાખલ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે.
શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ૭ વર્ષની પડધરીની બાળા કે જેનો ચાંદિપુરા રિપોર્ટ પોઝિટિવ હતો અને તેની હાલત પણ ગંભીર હતી.જેને અહી 11 દિવસ સુધી સઘન સારવાર મળતા તે સંપૂર્ણ સ્વસ્થ થઈ હતી. અને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જયારે ગત રાત્રીના મોરબીના સાત મહિનાના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને દાખલ કરવામાં આવ્યું છે.મધ્યપ્રદેશનો આ પરિવાર હાલ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કરે છે. તેના સાત મહિનાના બાળકને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હોવાથી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ તકલીફ વધી જતા અહી દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે પડધરીના 3 વર્ષના બાળકમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયું છે.અને બાળક મૂળ પડધરીનું હોવાની માહિતી તબીબો દ્વારા આપવામાં આવી છે. હાલ આ બાળકના સેમ્પલ લઇ ગાંધીનગરની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. જેથી હાલ કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૪ના રિપોર્ટ પોઝિટિવ છે અને બેના નેગેટિવ છે, જ્યારે ચારના રિપોર્ટ આવવાના બાકી છે.