આજે ગુજરાતનો સ્થાપના દિન : વિકાસની રાજનીતિ થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’
દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા
ભારતની GST આવકમાં ગુજરાતનો ફાળો ૮ ટકા
ડિજિટલ ક્રાંતિ થકી ગામથી ગ્લોબલ બન્યું ગુજરાત
ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. જેના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાત દેશમાં વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી સતત રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે.
સૌ ગુજરાતીઓએ ગૌરવ થાય એવા ગુજરાતના ૬૫માં સ્થાપના દિન ૧લી મેએ આપણે આ અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ આગળ વધારવા સંકલ્પબદ્ધ બનવું જ રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ માર્ગે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત એ ભારતની વસતિના ૫ ટકા અને જમીનનો ૬ ટકા ભાગ ધરાવે છે તેમ છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત દેશના GDPમાં ૮.૨ ટકા ફાળો આપી રહ્યું છે. જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત સ્થાન ધરાવે છે.
ગુજરાત ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય છે અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ છે. અહીં મંદિર છે તો મોલ પણ છે, અહીં રણ ઉત્સવ છે તો ગિફ્ટ સિટી પણ છે. અહીં આધુનિક બાંધકામ છે તો પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખતાં ગ્રીન બિલ્ડિંગ્સ પણ છે. ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વ્હાઈટ રેવિન્યુ જનરેટિંગ પોર્ટ્સ – આવી અનેક યોજનાઓ ગુજરાતને નેશનલ લીડરશિપ તરફ લઈ જઈ રહી છે.
ગુજરાત સ્ટાર્ટઅપ મિશન, આઈ-હબ, એગ્રિકલ્ચરલ પ્રોગ્રામ જેવી પહેલ યુવાનોને મંચ આપી રહી છે. રાજ્યના યુવાનો હવે ખેતીથી આઈ.ટી સુધી, ધંધાથી ડેટા એનાલિટિક્સ સુધી દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ઉજાગર કરી રહ્યા છે. એમ્પલોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક- ૨૦૨૩ મુજબ રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
પ્રવાસન ક્ષેત્રના સુનિયોજીત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફુટફોલ ડેશ બોર્ડ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગિરના એશિયાઇ સિંહો, કચ્છનો રણોત્સવ, અને અમદાવાદ શહેરના હેરિટેજ ટાઉનનો દરજ્જો, રાણકી વાવ, ધોળાવિરા, ચાંપાનેર અને સુદર્શન સેતુ જેવા અનેક સ્થળો ગુજરાતના ગૌરવપદ વારસાને સાચવીને બેઠા છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ધોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહીં ઈ-વેહિકલ, રીન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટાપાયે રોકાણ થયું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પુરે છે.