ગુજરાત ઉપર વાવાઝોડાનું જોખમ : ૨૮મીએ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડુ 23 થી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા
બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત એટલે કે વાવાઝોડુ ઉદ્ભવ્યુ છે અને તે આગામી 23 મેથી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન એજન્સી મુંબઈ નોકાસ્ટના જણાવ્યા પ્રમાણે, આ ચક્રવાતની અસરરૂપે 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે.
મુંબઈ નોકાસ્ટે X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘ચક્રવાત ચેતવણી. બંગાળની ખાડીમાં 23મી મે સુધીમાં તીવ્ર ચક્રવાતની સંભાવના છે જે તા. 23 થી 27ની વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે. સેટેલાઈટ ઈમેજ તા. 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના જણાવે છે.
હાલમાં, આ વાવઝોડું તીવ્ર બની રહ્યું છે અને પશ્ચિમ તરફ આગળ વધતા પહેલા પૂર્વી કિનારે લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે, જે દેશના અનેક વિસ્તારને અસર કરશે. જો કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા હજુ સુધી ચક્રવાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી.
આ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે 24 મેથી 5 જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16મેથી 24 મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશી જાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે આ પછી ચોમાસુ ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે.