હાર્ટ એટેકેની વધતી ઘટના વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન
સખત કોરોના ગ્રસ્ત થયા હોય તેવા લોકોએ 1 થી 2 વર્ષ માટે કસરત, સખત મહેનતથી દૂર રહેવા સૂચન
રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે, જેમને પણ કોવિડની ગંભીર અસર થઈ હોય તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઈએ.
રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના અને તેનાથી મોત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ક્રિકેટ રમતા, ગરબા રમતા, લગ્નમાં નાચતા, જિમમાં કસરત કરતાં સમયે હાર્ટ એટેક આવતાની સાથે જ સ્થળ ઉપર જ મૃત્યુના કિસ્સાઓ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. તેવામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હાર્ટ એટેકને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.
એમણે કહ્યું હતું કે, જેઓને કોવિડની ગંભીર અસર થઈ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઈએ. વધુમાં કહ્યું હતું કે, icmrએ તાજેતરમાં એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને સિવિયર કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય આવી સ્થિતિમા આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આવા લોકોએ સખત મહેનત કે કસરતથી એક ચોક્કસ સમય એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકેના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા પણ વરિષ્ઠ ડોકટરોની એક ટીમ બનાવી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.