આગામી બે દિવસ ગરમીમાં રાહત મળશે : રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, પારો 2-3 ડિગ્રી ઘટવાની સંભાવના
રાજકોટ : ફેબ્રુઆરી માસમાં જ આકરા ઉનાળા જેવી ગરમી પડી રહી છે ત્યારે બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને આંબી ગયા બાદ ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ 37.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સાથે જ અમદાવાદ,સુરત અને રાજકોટમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને વટાવી ગયું હતું. જો કે, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરી હતી.
ઓણસાલ ઉનાળાનું વહેલું આગમન થયું હોય તેવી સ્થિતિ વચ્ચે ફેબ્રુઆરી માસના મધ્યભાગથી જ આકરો તાપ પડવો શરૂ થયો છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે,કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. બીજી તરફ અરબી સમુદ્રમાં રાજસ્થાનના ઉતરીપશ્ચીમી ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયુ હોવાનું પણ હવામાન વિભાગે જણાવી આગામી 24 કલાક બાદ ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન ગુરુવારે પણ રાજ્યમાં મહત્તમ તાપમાનના પારાએ આકરો મિજાજ દર્શાવતા રાજ્યના છ શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગુરુવારે અમરેલીમાં 37.9, અમદાવાદ અને સુરતમાં 37.7, રાજકોટમાં 37.5, વડોદરામા 37.4, ભુજમાં 37.1, ભાવનગરમાં 36.2, ગાંધીનગરમાં 36, વેરાવળમાં 35.6, પોરબંદરમાં 35.5, ડીસામાં 34.9 અને કંડલામાં 34.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.