એઈમ્સને જોડતા માર્ગ ઉપર 40 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ : એક મહિનામાં કામગીરી થશે શરૂ
રાજકોટ -જામનગર રોડ ઉપર પરાપીપળીયાથી એઇમ્સ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર રેલવે ક્રોસિંગને કારણે ખુબ જ મુશ્કેલી પડી રહી હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એઈમ્સને જોડતા માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવતા હાલમાં રેલવે ઓવરબ્રિજ માટેની ટેન્ડર પ્રક્રિયા મહત્વપૂર્ણ તબક્કામાં છે અને એકાદ મહિનામાં જ બ્રિજની કામગીરી શરૂ થવાના નિર્દેશ માર્ગ અને મકાન વિભાગે આપ્યા છે.
રાજકોટ શહેરની ભાગોળે આવેલ એઇમ્સ હોસ્પિટલ જવા માટે હાલમાં રાજકોટ-જામનગર રોડ ઉપર પરાપીપળીયા રેલવે ફાટક તરફના રસ્તા ઉપરાંત મોરબી બાયપાસ ઉપરથી બે મુખ્ય રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. જો કે, જામનગર રોડ તરફથી એઇમ્સ જવા માટે રેલવે ફાટક નડતર રૂપ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાપીપળિયા નજીક રેલવે ઓવરબ્રિજ બનાવવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં 40 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરતા કુલ સાત પાર્ટીઓ મેદાનમાં આવી છે.
વધુમાં હાલમાં માર્ગ અને મકાન વિભાગ રાજકોટ ગ્રામ્ય દ્વારા સાતેય પાર્ટીઓના ટેન્ડરમાં પ્રિ-ક્વોલીફીકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી એકાદ મહિનામાં જ ટેન્ડર ફાઇનલ થયા બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરી શરુ કરવામાં આવશે.નોંધણીય છે કે, એઈમ્સને જોડતા આ માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે 18 મહિના જેટલો સમયગાળો લાગે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.