એક સમય હતો જયારે રોજના રૂ.1000ના દાતણ વેંચાતા, જયારે આજે માંડ-માંડ રૂ.200-300 વેંચાઈ છે : દાતણવાળા દાદા
આજના સમયમાં આપણે એટલી બધી સુવિધાઓ ભોગવતા થઈ ગયા છીએ કે વર્ષો પહેલા કુદરતે આપેલી અમૂલ્ય ભેટને આપણે ભૂલી ગયા છીએ. હજારો વર્ષોથી ભારતમાં દાંત અને મુખને સાફ રાખવા માટે દેશી બાવળ, લીમડા, કરંજ, સહિતના દાતણનો ઉપયોગ કરાય છે. આ પારંપરિક પદ્ધતિ આજના આધુનિક યુગમાં વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ, ટૂથ બ્રશ સામે પણ અડગ ઊભી છે. ત્યારે આજે વાત કરીએ રાજકોટના એક દાદા જે છેલ્લા 58 વર્ષથી દાતણ વેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને માત્ર એટલું જ નહીં તેમાંથી મળેલા પૈસાનો અમુક હિસ્સો સેવાકાર્યમાં પણ લગાવે છે.
સમય જતા દાતણનું મહત્વ ઘટ્યું : દાતણવાળા દાદા
વોઇસ ઓફ ડેના ઇન્ટરવ્યૂમાં તેમણે દાતણની મહત્વતા વિશે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં દાતણ ખૂબ જ વેંચાતા, જ્યારે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશની શોધ પણ નહોતી થઇ તેના હજારો વર્ષ પૂર્વેથી ભારતમાં દાંતને સ્વચ્છ રાખવા દાતણ કરવાની જ પરંપરા છે. વર્ષો પહેલા જ્યારે દાતણની બોલબાલા હતી ત્યારે રોજના 1 હજારના રૂપિયાના દાતણનો વેપાર થતો પરંતુ આજે જ્યારે લોકો દાતણને જ ભૂલતા જાય છે ત્યારે માંડ-માંડ 200-300 રૂપિયાના દાતણ વેંચાઈ છે.
દાતણના પૈસાથી કરે છે સેવાના કાર્ય
આજે જ્યારે માણસ પૈસા કમાવવાની પાછળ લાગેલો છે ત્યારે રાજકોટના “દાતણવાળા દાદા” દાતણ વેંચીને સેવાના કાર્ય કરે છે. દાદાએ આ બાબતે જણાવ્યું હતું કે દાતણ વેંચીને આનંદની અનુભૂતિ થાય છે. અમુક ટકા આવકનો હિસ્સો હું સેવાકાર્ય પાછળ વાપરું છું. આ પરથી એ વાત સાર્થક થાય છે કે દાન કરવા માટે દાનતની જરૂર હોય છે.
દાતણના ફાયદા
- બાવળના પડીયા : દાંત મજબૂત થાય, પેટ માટે સારું,
- કરંજનું દાતણ : દાતના દુખાવાનો અકસીર ઈલાજ, ડાયાબિટિસ,
- લીમડાનું દાતણ : બીમાર માણસને નીરોગી બનાવે છે.
- લીમડાનો ગળો : ડાયાબિટિસ, ટીબી, બીપી, કમળો વગેરે રોગ થાય છે દૂર
- જેઠિ મધના લાકડા : નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધી દરેકને ઉધરસ મટાડે છે
- બાવળની પાંદડી : મોઢામાં પડેલા ચાંદા મટાડે છે.
સગવડતામાં વધુ અગવડતા !!
જેમ-જેમ માણસની સુખ સુવિધામાં વધારો થયો તેમ રોગમાં પણ વધારો થયો છે. દાતણનું જ ઉદાહરણ લઈને વાત કરીએ તો જ્યાં સુધી દાતણનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યાં સુધી દાંતના રોગમાં વધારો થયો નહોતો પરંતુ ટૂથપેસ્ટના આવવાથી દાંતને લગતા રોગોમાં પણ વધારો થયો છે આથી કહી શકાય કે આયુર્વેદ અને આયુર્વેદ દ્વારા આપવામાં આવેલી વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોને જળમૂળથી જ નાબૂદ કરી શકાય છે. કારણ કે એ એક જડીબુટ્ટી છે.