આજે CM રાજકોટમાં : મહાપાલિકા-રૂડાના 565 કરોડના વિકાસકામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, તંત્ર સવારથી જ ખડેપગે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટમાં વિકાસનો વરસાદ કરી દેશે. રાજકોટની વસતી-વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોય નળ, ગટરના નેટવર્કનો વ્યાપ વધારવા ઉપરાંત રસ્તાઓ પહોળા કરવા, બ્રિજ બનાવવા સહિતની તાતી જરૂરિયાત હોય તંત્રવાહકો દ્વારા ફુલપ્રુફ પ્લાનિંગ કરીને વિકાસકાર્યોની
યાદી તૈયાર કરાયા બાદ આજે તેનું ખાતમુહૂર્ત । અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. આ કાર્યક્રમ કટારિયા ચોકડીએ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે પરંતુ મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોવાથી પોલીસ, મહાપાલિકા અને રૂડાનું તંત્ર સવારથી જ ખડેપગે રહેશે. સીએમના હસ્તે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલી આવાસ યોજનાઓમાં ખાલી પડેલા દોઢ બીએચકેના ૧૩૩ અને ત્રણ બીએચકેના ૫૦ મળી કુલ ૧૮૩ આવાસનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરી તેની ફાળવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ૨૫ નવી સીએનજી બસનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ સિવાય બાંધકામ શાખાને લગતાં ૩૫ કામ જેમાં કટારિયા ચોકડીએ બનનારા આઈકોનિક ફ્લાય ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રૂડા હસ્તકના ૧૭૪.૮૩ કરોડના વિકાસકાર્યોનું પણ ખાતમુર્હુત કરવામાં આવશે. ‘રૂડા’ વિસ્તારમાં સમાવિષ્ટ રિંગરોડ-૨ કે જે કણકોટ રોડથી કોરાટ ચોક સુધી આવે છે તે રોડને પહોળો કરવા ઉપરાંત બ્રિજ બનાવવા સહિતના કામનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
મુખ્યમંત્રીના રાજકોટમાં ભરચક્ક કાર્યક્રમો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે હવાઈ માર્ગે અમદાવાદથી સીધા રાજકોટના હિરાસર એરપોર્ટ પર ખાસ એરક્રાફટમાં આવશે જ્યાંથી હેલીકોપ્ટર મારફતે મોરબી પહોંચી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ મોરબીથી સાંજના ૫ વાગ્યાની આસપાસ રાજકોટ જુના એરપોર્ટ ખાતે આવી રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપી આઈકોનીક બ્રીજનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ હેમુ ગઢવી હોલ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટની સનદો એનાયત કરશે. બાદમાં પેરેડાઈઝ હોલ ખાતે રાવળદેવ સમાજના ૧૭૪ લાભાર્થીઓને સનદ એનાયત કરી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના કાર્યક્રમમાં હાજરી આપી હિરાસર એરપોર્ટ ખાતેથી એરક્રાફ્ટ મારફતે અમદાવાદ જવા રવાના થશે.