નાનાને વ્યાજના પૈસા ચૂકવવા ન પડે એટલે દોહિત્રએ જ પતાવી દીધા : રાજકોટના રૈયાધાર પાસે વૃદ્ધની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા મકાનમાંથી ચાર દિવસ પહેલાં વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રથમ દૃષ્ટિએ વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું હતું પરંતુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાતાં હત્યા થયાનો ઘટસ્ફોટ થતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ હત્યાને મૃતકના દોહિત્રએ જ અંજામ આપ્યો હોવાનું ધ્યાન પર આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગત તા.8 જૂલાઈએ મનસુખભાઈ આણંદજીભાઈ ટાંકની લાશ ઘરમાંથી મળી આવી હતી. મનસુખભાઈની હત્યા કરાઈ હોવાની ફરિયાદ તેમના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલાએ નોંધાવતાં પોલીસે આ ગુનાને અંજામ આપનારની શોધખોળ શરૂ કરી હતી. પ્રથમથી જ શંકાના પરિઘમાં રહેલા દોહિત્ર હર્ષ બીપીનભાઈ સોલંકી (ઉ.વ.20)ની બનાવ અંગે પૂછપરછ કરાતાં તે આ વિશે કશું જાણતો ન હોવાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને પોપટની જેમ બોલવા લાગ્યો હતો.
હર્ષે કબૂલાત આપી હતી કે તેણે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સોનામહોર જ્વેલર્સમાંથી 15 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ સોનું તેણે પેડક રોડ પર આવેલી બેન્કમાં ગીરવે મુકી 8.65 લાખની લોન લીધી હતી. લોનની રકમમાંથી પાંચ લાખનું તેણે દેણું ભરપાઈ કર્યું હતું. હર્ષ ઓનલાઈન ગેમ એવીએટરમાં ચાર લાખ રૂપિયા હારી ગયો હોય તેના ઉપર દેણું થઈ ગયું હતું. આ સિવાય એક લાખ રૂપિયાનું ક્રેડિટ કાલ બિલ ભરપાઈ કર્યું તો એક લાખ રોકડેથી એપલનો ફોન ખરીદી આવ્યો હતો અને બે લાખ રૂપિયા પિતાને આપ્યા હતા.

જો કે સોના ચોરીના ગુનામાં પકડાઈ જતાં પોલીસ દ્વારા ચોરાઉ સોનુ મુદ્દામાલ તરીકે કબજે કરી લેતાં હર્ષનો પરિવાર દેણામાં આવી ગયો હતો.
આ દેણું ભરપાઈ કરવા હર્ષના પિતા બીપીનભાઈએ હર્ષના નાના મનસુખભાઈ ટાંક પાસેથી ચાર લાખ રૂપિયા બે મહિના પહેલાં વ્યાજે લીધા હતા જેનુંદર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. આ પછી હર્ષે પણ નાના પાસેથી માર્ચ-2025માં 35,000 રૂપિયા વ્યાજે લીધા હતા જેનું 1800 રૂપિયા દર મહિને વ્યાજ ચૂકવતો હતો.
એકંદરે નાનાને વ્યાજ ચૂકવવામાં હર્ષને કોઈ જ વાંધો ન્હોતો પરંતુ તેણે અમદાવાદમાં જે સોનું ચોર્યું હતું તેના ગુનામાં પકડાઈ ગયા બાદ નાના મનસુખભાઈ ટાંકા દ્વારા તેને વારંવાર `તારા કારણે અમારું નામ સમાજમાં બદનામ થઈ ગયું છે’ તેવા મેણા ટોણા મારતાં હોય કંટાળી જઈને નાનાને પતાવી દેવાનું પ્લાનિંગ કર્યું હતું.
સૌથી પહેલાં બનાવના દિવસે હર્ષ સોલંકી માધાપર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપે પહોંચ્યો હતો અને ત્યાં ખાલી બોટલમાં પેટ્રોલ ભરાવી સવારના સમયે નાનાના ઘેર પહોંચ્યો હતો. સવારના સમયે તેણે નાનાના ઘેર જઈ 1800 રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યું હતું. જો કે ત્યારે નાનાને મારવાની હિંમત ન થતાં સાંજે ફરી ગયો હતો અને ઘરમાં ઘૂસી નાનાને હથોડીના ઘા મારી પતાવી દીધા હતા અને ત્યારબાદ નાનાના નાણાકીય હિસાબ-કિતાબનો ચોપડો તેમજ નાના ઉપર પેટ્રોલ છાંટી બન્નેને સળગાવી કશું બન્યું જ ન હોય તે રીતે ફરાર થઈ ગયો હતો.
આ ગુનાનો ભેદ યુનિ.પોલીસ મથક ઉપરાંત ઝોન-2 એલસીબીના પીએસઆઈ આર.એચ.ઝાલા તેમજ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ મોવલિયા સહિતની ટીમે ઉકેલી નાખ્યો હતો.
ક્રાઈમ વેબસિરીઝ પરથી હત્યા કરવાનો આવ્યો હતો આઈડિયા
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે હર્ષ સોલંકીને નાનાની હત્યાનો આઈડિયા ક્રાઈમ વેબસિરીઝ જોયા બાદ આવ્યો હતો. તેણે ફુલપ્રુફ પ્લાનિંગ કરીને જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. વેબસિરીઝમાં તેણે જોયું હતું કે હત્યા કેવી રીતે કરવી, પૂરાવાનો નાશ કેવી રીતે કરવો, પોલીસને અવળે માર્ગે કેવી રીતે લઈ જવી. આ સહિતના મુદ્દા ચકાસી લીધા બાદ જ ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : કોમેડી કિંગ કપિલ શર્માના ઘરે પોલીસ ગોઠવાઈ : કેનેડાના કેફેમાં ગોળીબાર થયા બાદ મુંબઈના નિવાસસ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ચોરીના પૈસે રોકડેથી એક લાખનો એપલ ફોન ખરીદ કર્યો હતો
હર્ષ સોલંકીએ અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં સોનુ ચોર્યા બાદ તેને રાજકોટમાં ગીરવે મુકી 8.65 લાખની લોન લીધી હતી. આ પૈસામાંથી તેણે એક લાખ રૂપિયા રોકડેથી એપલ-15 પ્રોમેક્સ મોડેલનો ફોન પણ ખરીદ કર્યો હતો જ્યારે પાંચ લાખનું દેણું પણ ભરપાઈ કર્યું હતું.
હું મારા નાનાને મારી જ કેમ શકું ? પોલીસને બે દિ’ ગોટાળે ચડાવી
હર્ષ સોલંકી 20 વર્ષની ઉંમરે એક અઠંગ ક્રિમીનલ જેવું માઈન્ડ ધરાવતો હોય તે રીતે પોલીસને બે દિવસ સુધી ગોટાળે ચડાવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં એવું રટણ કર્યું હતું કે મૃત્યુ પામ્યા એ મારા સગા નાના છે એમને હું મારી જ કેમ શકું ? આ ગુનામાં મારો કોઈ જ રોલ નથી તેવું કહ્યે રાખ્યું હતું. જો કે પોલીસની વારંવાર પૂછપરછ ઉપરાંત હર્ષના નિવેદનમાં વિરોધાભાસ આવી રહ્યો હોય સાથે સાથે સીસીટીવી કંઈક ઔર જ બયાન કરી રહ્યા હોય હર્ષેે જ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું પૂરવાર થતાં પોલીસે આગવી સ્ટાઈલમાં પૂછપરછ શરૂ કરતાં તે ભાંગી પડ્યો હતો.