સરકારી ક્વોટામાં ૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ કવોટામાં ૧૨ લાખ ફી રહેશે : કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
તાજેતરમાં જીએમઇઆરએસ દ્વારા સંચાલિત મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે કરવામાં આવેલા ફીમાં તોતિંગ વધારાનો ભારે વિરોધ થયા બાદ અંતે સરકારે પારોઠના પગલાં ભર્યા છે અને ફીમાં ઘટાડો જાહેર કર્યો છે. સરકારી ક્વોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે. આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.તદ્અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો હતો. આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો..જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નેતાઓ કરી રહ્યા હતા. સરકારી ક્વોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ હતી, તો મેનેજમેન્ટ ક્વોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ હતી, જ્યારે NRI ક્વોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી હતી.