તું જે સ્કુલમાં ભણ્યો છો એ સ્કૂલનો…વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ, MLAએ ઠગને રોકડુ પરખાવ્યુ
ગુજરાત પોલીસ કે પછી સાયબર ક્રાઈમ બ્રાંચ ગમે તેટલી કડકાઈ દર્શાવે કે લોકોને જાગૃત કરે પરંતુ સાયબર ઠગો પોતાના પ્રયાસો ચાલુ જ રાખે છે. આવા પ્રયાસોમાં તેઓએ ક્યારેક પછડાટ પણ ખવાઈ પડે છે. આવો જ એક કિસ્સો વડોદરાનાં ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે બન્યો છે. જેમાં યોગેશભાઈ પટેલને ડિજીટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, યોગેશભાઈ પટેલ આ ઠગ છે તેવું સમજી ગયા હતા અને તેને રોકડુ પરખાવ્યુ હતું કે, તું જે સ્કુલમાં ભણ્યો છો તે સ્કૂલનો હુ પ્રિન્સીપાલ રહી ચુક્યો છું.આ સાંભળીને સાયબર ઠગના હોશ ઉડી ગયા હતા અને ફોન કાપી નાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય યોગેશ પટેલને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કૉલ આવ્યો હતો. કૉલ કરનાર શખ્સે પોતાનો પરિચય આપી “હું મુંબઈ પોલીસમાંથી બોલું છું.” કહી વાત શરૂ કરી હતી અને બાદમાં ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર ગઠિયાએ ધારાસભ્યને કહ્યું કે, ‘તમારા વિરુદ્ધ નોટિસ નીકળી છે અને તમારે ડિજિટલ એરેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.’
સાયબર ઠગના કૉલ પર મુંબઈ પોલીસનો લોગો પણ દેખાઈ રહ્યો હતો જેથી સામેની વ્યક્તિ ભયભીત થઈ જાય. જોકે કૉલ કરનાર શખ્સ હિન્દીને બદલે ગુજરાતીમાં વાત કરી રહ્યો હતો. મુંબઈ પોલીસનો અધિકારી શુદ્ધ ગુજરાતીમાં વાત કરતો હોવાથી યોગેશ પટેલને તુરંત શંકા ગઈ હતી. જ્યારે સાયબર ઠગે નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો, ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો. તેમણે ઠગને પરખાવી દીધું કે, “ભાઈ, તું જે સ્કૂલમાં ભણ્યો છે ને, એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું!” ધારાસભ્યનો આ કરારો જવાબ સાંભળતા જ સાયબર ઠગના હોશ ઊડી ગયા હતા અને તેણે તાત્કાલિક ફોન કાપી નાખ્યો હતો.
બાદમાં આ ઘટનાની જાણ ધારાસભ્ય યોગેશ પટેલે તુરંત જ વડોદરા પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી તો તપાસમાં સામે આવ્યું કે કૉલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ નકલી હતો, ત્યારે સામાન્ય માણસ સહિત હવે રાજનેતા જેવા મોટા લોકો પણ સાયબર માફિયાઓના નિશાને આવ્યા હોવાની આ ઘટના હાલ ભારે ચકચાર મચાવી રહી છે.
