રાજકોટમાં વીજ ધાંધિયા માટે મહાપાલિકા પણ એટલી જ જવાબદાર : એક વર્ષમાં RMCએ વીજતંત્રને અડધો કરોડનું કર્યું નુકશાન
રાજકોટમાં વીજ ધાંધિયા મામલે મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અડધી રાત્રે વીજકંપનીના અધિકારીઓને તતડાવી નાખી સમયસર વીજ ફોલ્ટનું રીપેરીંગ કેમ નથી કરતા તેમ કહી ઉધડો લેતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે બીજી તરફ શહેરમાં વારંવાર થતા વીજ ફોલ્ટ માટે માત્ર PGVCL જ નહીં RMC પણ એટલું જ જવાબદાર હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશનની ગટર અને પાણીની લાઈનો નાખવાની કામગીરી દરમિયાન PGVCLના અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં RMCના કોન્ટ્રાક્ટરોએ 400 જેટલા જોઈંટના ભુક્કા બોલાવી 2500 મીટર કેબલને નુકશાન કરતા PGVCLને અડધો કરોડની નુકશાની આવી હોવાનું અને આ નુકશાન વસૂલવા માટે 12-12 નોટિસ આપવા છતાં કોર્પોરેશન જવાબ ન આપતું હોવાનું સામે આવ્યું છે.

RMCના વિવિધ કામોને કારણે 400 જોઈન્ટ તોડી નંખાયા, 2500 મીટર વીજલાઇનને નુકશાન
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વીજ વિતરણ માટે મુખ્ય ત્રણ હાઇટેનશન નેટવર્કથી જોડાયેલ છે જેમાં સીટી એચટી વન હેઠળ આજીડેમ ચોકડીથી બસસ્ટેન્ડ, કેનાલ રોડ, સોખડા સહિતનો વિસ્તાર, સીટી એચટી-2 હેઠળ યાજ્ઞિક રોડ, રૈયા ચોકડી, માધાપર, સહિતનો વિસ્તાર તેમજ સીટી એચટી-3 હેઠળ રૈયા ચોકડીથી લોઠડા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ ત્રણેય અન્ડરગ્રાઉન્ડ નેટવર્કિંગ લાઈનમાં છેલ્લા એક વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાના ગટર અને પાણીના લાઈનના કામ તેમજ અન્ય કામોને કારણે વારંવાર વીજકેબલને નુકશાન કરવામાં આવી રહ્યું હોવાથી અત્યાર સુધીમાં 400 જોઈન્ટનો ભુક્કો બોલી ગયો છે અને અંદાજિત 2500 મીટર વીજલાઇનને નુકશાન પહોંચ્યું હોવાનું ઇજનેરી આલમ જણાવી રહ્યું છે.

નિયમ અને જોગવાઈ મૂજબ શહેરમાં ખોદકામ દરમિયાન PGVCLના અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કને નુકશાન થાય તો મહાનગર પાલિકાને કોન્ટ્રાકટર પાસેથી આવો ખર્ચ વસૂલવાનો હોય છે. જો કે, છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમા જુદા-જુદા વિસ્તારમાં ખોદકામ દરમિયાન એચટી લાઇનને અંદાજે અડધો કરોડથી વધુનું નુકશાન થતા PGVCL દ્વારા રાજકોટ મહાનગર પાલિકા પાસે એક, બે, ત્રણ નહીં પણ 12-12 વખત નુકશાનીની રકમ વસુલ કરવા નોટિસ ફટકારી હોવા છતાં પણ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જવાબ આપવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ખોદકામ માટે કોન્ટ્રાક્ટરોને ફટાફટ મંજૂરી, PGVCL ને ચાર મહિના રાહ જોવાની
રાજકોટ શહેરમાં વીજ થાંભલા અને વીજ વાયરોના જંગલને હટાવવા માટે PGVCL દ્વારા સમગ્ર શહેરને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કથી જોડવા માટેનો મહત્વનો પ્રોજેક્ટ ચાલુ છે. જો કે, PGVCL સરકારની કંપની હોવા છતાં રાજકોટ મહાનગર પાલિકા PGVCLને ખોદકામ મંજૂરી માટે ચાર -ચાર મહિના રાહ જોવડાવતી હોવાનું અને બીજી તરફ મહાનગર પાલિકાના કોન્ટ્રાકટરો વગર મંજૂરીએ અથવા તો વર્ક ઓર્ડર મળતા જ મંજરીની પરવા કર્યા વગર કામ શરૂ કરી દેતા હોવાનું પણ સામે આવ્યું છે.
એક જોઈન્ટ તૂટે એટલે 10 હજારનું નુકશાન
રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી છાસવારે વીજ કેબલ નેટવર્કને નુકશાન થઇ રહ્યું છે. કોઈપણ જગ્યાએ વીજ કેબલનો જોઈન્ટ તૂટે એટલે 3થી 4 કલાક સુધી વીજ પ્રવાહ બંધ કરી ફોલ્ટ શોધવામાં સમય જતો હોવાનું અને તૂટેલો જોઈન્ટ રીપેર કરવા માટે અંદાજે 10 હજાર જેટલો ખર્ચ થતો હોવાનું PGVCLના વર્તુળો જણાવી રહ્યા છે.