રાજકોટના 14 વોર્ડમાં બેઠકનું ‘ગણિત’ બદલાયું : 7 OBCની બેઠક 19 થઈ, જાણો કઈ બેઠકમાં શું થયા ફેરફાર?
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવતાં વર્ષે યોજાનારી મહાપાલિકાઓની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટના 14 વોર્ડમાં બેઠકનું `ગણિત’ બદલાઈ ગયું છે. આ ફેરબદલાવમાં પછાત વર્ગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. રાજકોટમાં ગત રોટેશનમાં પછાત વર્ગની સાત બેઠકો વધીને 19 થઈ છે. કુલ 72 બેઠકોમાં સામાન્ય, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગની 23 સીટોમાં ફેરફાર થયો છે. બેઠકો બદલાતાં નવા વર્ષે જ ઘણાને આંચકો આવ્યો હશે. જ્યારે કેટલાકને હાશ હવે આપણને કદાચ ચાન્સ મળી જશે તેવો અભરખો પણ જાગવા લાગ્યો હશે. એકંદરે બેઠકોમાં થયેલા ફેરબદલને કારણે દિગ્ગજ નેતાઓ કે જેઓ દર ચૂંટણીમાં જીતતા આવ્યા છે તેમણે આવતી ટર્મમાં કોર્પોરેટર બનવાની તમન્ના હશે તો વોર્ડ બદલાવવા પડશે. 18 વોર્ડમાંથી વોર્ડ નં.3,4,13,17 રોટેશનમાંથી આબાદ રહ્યા છે જ્યારે સૌથી વધુ ફેરબદલ 2,6,7 અને વોર્ડ નં.9માં થયા છે.

14 વોર્ડમાં કઈ બેઠકમાં શું થયા ફેરફાર ?
- વોર્ડ નં.1માં અનુસુચિત જાતિ સ્ત્રી બેઠક પછાત વર્ગ સ્ત્રી બેઠક થઈ
- વોર્ડ નં.2માં ચારેય સામાન્ય બેઠકો પૈકી એક સ્ત્રી અનુસુચિત જાતિ, એક પુરુષ પછાત
- વોર્ડ નં.3માં કોઈ ફેરબદલ નહીં
- વોર્ડ નં.4માં કોઈ ફેરબદલ નહીં
- વોર્ડ નં.5માં અનુસુચિત જાતિ પુરુષ બેઠક પછાત વર્ગ પુરુષ બેઠક થઈ
- વોર્ડ નં.6માં સ્ત્રી સામાન્ય અનુ.જાતિ સ્ત્રી, સામાન્ય પુરુષ પછાત (પુરુષ) બેઠક બની
- વોર્ડ નં.7માં અનુસુચિત સ્ત્રી પછાત સ્ત્રી બેઠક, સામાન્ય પુરુષમાંથી અનુસુચિત આદિજાતિ પુરુષ બેઠક બની
- વોર્ડ નં.8માં સામાન્ય પુરુષ બેઠક પછાત વર્ગ પુરુષ બેઠક બની
- વોર્ડ નં.9માં સામાન્ય સ્ત્રીમાંથી પછાત, પછાત પુરુષમાંથી અનુસુચિત જાતિ બેઠક બની
- વોર્ડ નં.10માં પછાત સ્ત્રીમાંથી સામાન્ય, સામાન્ય પુરુષમાંથી પછાત પુ. બેઠક બની
- વોર્ડ નં.11માં અનુસુચિત જાતિ પુરુષમાંથી પછાત પુરુષ બેઠક બની
- વોર્ડ નં.12માં પછાત સ્ત્રીમાંથી સામાન્ય સ્ત્રી, સામાન્ય પુરુષમાંથી પછાત વર્ગ પુરુષ બેઠક બની
- વોર્ડ નં.13માં કોઈ ફેરબદલ નહીં
- વોર્ડ નં.14માં અનુસુચિત જાતિ (સ્ત્રી) બેઠક પછાત વર્ગ (સ્ત્રી) બેઠક બની
- વોર્ડ નં.15માં અનુસુચિત આદિજાતિ (સ્ત્રી) બેઠક પછાત વર્ગ (સ્ત્રી) બેઠક બની, સામાન્ય પુરુષમાંથી પછાત વર્ગ (પુરુષ) બેઠક બની
- વોર્ડ નં.16માં સામાન્ય સ્ત્રીમાંથી પછાત વર્ગ (સ્ત્રી), સામાન્ય પુરુષમાંથી અનુસુચિત જાતિ પુ.બેઠક બની
- વોર્ડ નં.17માં કોઈ ફેરબદલ નહીં
- વોર્ડ નં.18માં સામાન્ય સ્ત્રી બેઠક પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય પુરુષ બેઠક અનુસુચિત જાતિ પુરુષ બેઠક બની
