RTOના ધક્કા ખાવાની ઝંઝટ ખતમ : હવે ઘર બેઠા મળશે લર્નિંગ લાઈસન્સ, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ માટેનું લર્નિંગ લાઈસન્સ ઘેરબેઠા મળી શકશે. ટૂંક સમયમાં રાજ્ય પરિવહન વિભાગ હોમ-મેડ લર્નિંગ લાઇસન્સ (HMLL) પ્રોજેક્ટ શરુ થઇ રહ્યો છે અને તે અંતર્ગત અરજદારો ઘરેથી જ તેમનો ડ્રાઇવિંગ થિયરી ટેસ્ટ ઓનલાઈન આપી શકશે.આ ઓનલાઈન ટેસ્ટમાં પાસ થયા પછી, તેમની પાસે કાયમી લાઇસન્સ માટે ટ્રેક ટેસ્ટ આપવા માટે 30 દિવસનો સમય હશે.
અત્યાર સુધી, ઓનલાઇન લર્નિંગ લાયસન્સની પરીક્ષા ફક્ત નિયુક્ત ITI અને પોલિટેકનિક સંસ્થાઓમાં જ લેવામાં આવતી હતી. અરજદારોએ સારથી પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફી ભરવી પડતી હતી. આ પછી પરીક્ષા માટે કેન્દ્રની મુલાકાત લેવાની હતી વિભાગે હોમ-મેડ લર્નિંગ લાયસન્સમાં દસ્તાવેજો અપલોડ કરવાથી લઈને પરીક્ષા આપવા સુધીનું બધું જ ઓનલાઇન થશે.
આરટીઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરજદારો પોર્ટલ પર લોગ ઇન કરી શકે છે, દસ્તાવેજો અપલોડ કરી શકશે, ફી ભરી શકશે. તેમજ ઓનલાઇન પરીક્ષાનું સમયપત્રક તેમની અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે. પરીક્ષા કાર્યરત વેબકેમ ધરાવતા કમ્પ્યુટર પર જ આપવી પડશે. તેમાં 15 બહુ વિકલ્પીય પ્રશ્નો હશે, જેમાંથી પાસ થવા માટે ઓછામાં ઓછા નવના સાચા જવાબ આપવા પજશે. વેબકેમ આખી પ્રક્રિયા દરમિયાન ચાલુ રહેવું જોઈએ. કોઈપણ શંકાસ્પદ વર્તન આપોઆપ ગેરલાયક ઠરશે. સિસ્ટમને સપોર્ટ કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે, હોમ-મેડ લર્નિંગ લાયસન્સનો વિચાર ગયા વર્ષે જ રજૂ કરવામાં આવ્યો હતો. એક નિષ્ણાત પેનલે ડિસેમ્બર 2024માં ભલામણો સબમિટ કરી હતી. જો કે લોન્ચ જાન્યુઆરી માટે આયોજન કરવામાં આવ્યું હતું, તે હવે મે મહિનામાં શરૂ થઈ રહ્યું છે. હજારો અરજદારોને તેનો લાભ મળવાની અપેક્ષા છે. આ પહેલા સરકારે અરજદારોને હેરાનગતિ અને બિનજરૂરી ખર્ચથી બચાવવા માટે આરટીઓ કચેરીઓમાં દલાલો પર પહેલેથી જ કાર્યવાહી કરી છે. ઘણા લોકો અગાઉ લાયસન્સ મેળવવા અથવા વાહનની માલિકી ટ્રાન્સફર કરવામાં માટે એજન્ટો પર નિર્ભર રહેતા હતા.
