ગતકડું : ગ્રાહકોની ફરિયાદ ઓનલાઈન કરવાની પણ ફીઝીકલ કોપી તો આપવાની જ ! પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચવા માંગ
કન્ઝ્યુમર લો પ્રેકટીશનર્સ એસોસિએશને રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનને એક પત્ર લખીને જિલ્લા કમીશનમાં ફાઈલ થતી ફરિયાદો ફરજીયાત રીતે ઈ-જાગૃતિ પોર્ટલ મારફત ઓનલાઈન સ્વીકારવા અંગેના નિર્ણયની ફેરવિચારણા કરવા અનુરોધ કર્યો છે.
એસોસિએશનનાં પ્રમુખ ડી.બી. વસાવડા, ઉપપ્રમુખ ગજેન્દ્ર જાની અને મંત્રી એસ.આર. જાડેજાએ કરેલી રજૂઆત અનુસાર, આ નિર્ણયની અમલવારી વ્યાજબી અને ન્યાયોચિત નથી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ પાક વિમાને લગતી ફરિયાદો જે ગ્રામ્ય સ્તરે વસવાટ કરતા અને ખેતીકામ કરતા ખેડૂતો અને શ્રમિકો દ્વારા કરવામાં આવતી હોય છે તેથી તેમના માટે આ ઈ-ફાઈલિંગનું કામ જટિલ બની શકે છે. વધુમાં સીનીયર સિટીઝન અને અલ્પ શિક્ષિત અથવા અશિક્ષિત મહિલાઓ દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે તેથી તેમના માટે પણ આ કાર્ય મુશ્કેલભર્યું બની શકે છે. ઈ ફાઈલિંગ પ્રથા ફરજીયાત કર્યા પછી પણ ફીઝીકલ કોપી તો જમા કરવાની જ હોય છે તો આવા ઈ-ફાઈલિંગનો કોઈ અર્થ રહેતો નથી.
આ રજૂઆત અનુસાર, ઈ-ફાઈલિંગ ચોક્કસ ફોરમેટમાં અને નિશ્ચિત ડેટા મર્યાદામાં કરવાનું હોય છે તેથી ફરિયાદી પોતે જે ઈચ્છે એ પુરાવા સહિતની ફરિયાદ દાખલ કરી શકશે નહી.અગાઉ કોન્ફોનેટ કાર્યરત હતું ત્યારે પણ જીલ્લા સ્તરે ફીઝીકલ ફાઈલિંગ પ્રથા અમલમાં હતી તેથી કોન્ફોનેટના સ્થાને ઈ-જાગૃતિના અમલીકરણ સાથે ઈ-ફાઈલિંગ ફરજીયાત કરવાનું પગલું વાસ્તવિક નથી.
આ પત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, નવેમ્બર-૨૦૨૪થી કોન્ફોનેટ ઈ પોર્ટલની સેવા ઠપ્પ થઇ ગઈ છે અને તેને લીધે જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે દાખલ થયેલી કે ચાલી રહેલી ફરિયાદ કે અપીલનું સ્ટેટ્સ, કોઝલીસ્ટ, ડેઈલી બોર્ડ અને ચુકાદાની ઓનલાઈન નકલ સહિતની બાબતે દેશભરના ગ્રાહકો, કમિશનના હોદેદારો, કર્મચારીઓ અને વકીલોને તકલીફ પડી રહી છે. ટેક્સ્ટ મેસેજની સુવિધા પણ બંધ કરવામાં આવી છે. વધુમાં ઈ જાગૃતિ પોર્ટલ ઉપર ડેટાબેઝ ટ્રાન્સફરનું કામ પૂરું થયું નથી તેથી આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ. આ રજૂઆતની નકલ વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી, અન્ન નાગરિક પુરવઠા મંત્રી, મુખ્ય સચિવ, NCDRCનાં રજીસ્ટ્રાર સહિતનાને મોકલવામાં આવી છે.