વાવડીનો આવશે જમાનો ! 27થી લઈ 197 ફૂટ પહોળા રસ્તા બનશે, ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકારની મંજૂરી
કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય તો ટાઉન પ્લાનિંગ અત્યંત જરૂરી બની જતું હોવાનું ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાએ તૈયાર કરેલી વાવડી-26 અને વાવડી-27 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી દેતાં હવે ટૂંક સમયમાં જ વાવડીનો જમાનો આવશે કેમ કે અહીં 27થી લઈ 197 ફૂટ સુધીના પહોળા રસ્તા ઉપરાંત અલગ-અલગ હેતુના 165 પ્લોટમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા 17,59,165 ચોરસમીટર (175.91 હેક્ટર) ક્ષેત્રફળમાં તૈયાર કરાયેલી વાવડી-26 ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એસઈડબલ્યુએસ, વાણિજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન, પાર્કિંગ તેમજ સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના 89 પ્લોટ જેનું ક્ષેત્રફળ 2,27,178 ચોરસમીટર રહેશે. આ સ્કીમમાં 9 મીટરથી લઈ 60 મીટર સુધીના રસ્તા આવેલા છે. એકંદરે ટાઉન પ્લાનિંગ રોડનું ક્ષેત્રફળ 3,45,864 ચોરસમીટર રહેશે. આ સ્કીમમાં અત્યારે ઔદ્યોગિક અને રહેણાક વિસ્તાર સામેલ છે જેમાં તુલીપ પાર્ટી પ્લોટની પાછળનો ભાગ, પરિન ફર્નિચર, મહમ્મદી બાગ, કાંગશિયાળી રોડ સહિતનું સમાવિષ્ટ છે.
આ જ રીતે 16,99, 283 ચોરસમીટર (169.92હેક્ટર)ની વાવડી ટાઉન પ્લાનિંગ સ્કીમ-27ને પણ મંજૂરી આપવામાં આવી છે. અહીં એસઈડબલ્યુએસ, વાણિજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન, પાર્કિંગ તેમજ સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના 76 પ્લોટ મહાપાલિકાને મળશે જેનું ક્ષેત્રફળ 3, 46,734 ચોરસમીટર હશે. અહીં 9 મીટરથી લઈ 45 મીટર સુધીના ટીપી રોડ બનશે જેનું ક્ષેત્રફળ 3,28,643 રહેશે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમ રહેણાક ઝોનમાં સામેલ છે. અહીં વાવડી ગામથી પશ્ચિમનો ભાગ તેમજ કાંગશિયાળી રોડ સહિતનો વિસ્તાર આવરી લેવાશે.