જે વિસ્તારમાં રહેતો હોય તે કર્મચારી BLO : આંગણવાડી કર્મચારીઓને BLO તરીકે ઓર્ડર થતા વિરોધ
ભારતના ચૂંટણીપંચે બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસરની નિમણુંક માટે નવા નિયમો અમલમાં મુકતા રાજકોટ સહિત રાજ્યભરમાં નવા BLOની નિમણુંક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચના નવા આદેશ મુજબ કર્મચારી જે સ્થળે નોકરી કરતો હોય તે સ્થળે નહીં પરંતુ જે સ્થળે વસવાટ કરતો હોય તે વિસ્તારમા બુથ લેવલ ઓફિસર તરીકે તેની નિમણુંક કરવી. જો કે, નવા નિયમ મુજબ કેટલાક સ્લમ વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કર્મચારી રહેતા ન હોય આવા વિસ્તારમાં બીએલઓ તરીકે આંગણવાડી અને આશાવર્કર કર્મચારીની નિમણુંક કરતા ઓર્ડર થતા કર્મચારીઓમાં દેકારો બોલી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પાયાના પથ્થર ગણાતા અને મતદાર યાદી બનાવવાથી લઈ મતદાર કાપલી વિતરણ સુધીમાં મહત્વની ભૂમિકા ભજવતા બુથ લેવલ ઓફિસર એટલે કે, BLOની નિમણૂકમાં નવા નિયમો અમલી બનાવ્યા છે જે અન્વયે અત્યાર સુધી જે તે મતદાન મથક વિસ્તારમા ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની BLO તરીકે નિમણુંક કરવામાં આવતી હતી જેના બદલે હવેથી જે તે વિસ્તારમાં રહેતા હોય તે કર્મચારીને જ પોતાના રહેણાક વિસ્તારમાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવશે. જો કે, સ્થાનિકે વસવાટ કરતો કર્મચારી અન્ય વિસ્તારમાં નોકરી કરતો હશે તો પણ તેને પોતાના રહેણાંક વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવવી પડશે.

આ પણ વાંચો : India Cricket Schedule : ટીમ ઈન્ડિયા જૂલાઈમાં 4 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે રમશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
આંગણવાડી કર્મચારીઓને BLO તરીકે ઓર્ડર થતા વિરોધ
રાજકોટ શહેર અને જિલ્લામાં પૂરતું ભણતર ન હોવા છતાં અનેક આંગણવાડી અને આશાવર્કર બહેનોના બુથ લેવલ ઓફિસર તરીકે ઓર્ડર થયા છે. અત્યાર સુધી શિક્ષકો અથવા તો ક્લાર્ક કક્ષાના કર્મચારીઓને જ BLO તરીકે ફરજ સોંપવામાં આવતી હતી પરંતુ નવા નિયમો અન્વયે એવા અનેક વિસ્તારમાં સરકારી કર્મચારી સ્થાનિક વિસ્તારમાં રહેતા ન હોવાથી આવા વિસ્તારમાં કાયમી કર્મચારી ન હોવા છતાં આંગણવાડી કર્મચારી અને આશાવર્કરની નિમણુંક કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં આંગણવાડી બેહનો દ્વારા અગાઉથી જ તેમની પાસે અનેક પ્રકારની કામગીરી હોય BLOની કામગીરી નહીં સોપવા રજુઆત કરી જિલ્લા ક્લેક્ટરથી લઈ મામલતદાર સુધીના કર્મચારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.