નવું શૈક્ષણિક વર્ષ ‘એપ્રિલ’થી શરૂ કરવાનું બોર્ડ ભૂલી ગયું..!! પૂર્વ સભ્યએ બોર્ડના ચેરમેનને પત્ર લખી ઠરાવને યાદ કરાવ્યો
ગુજરાત બોર્ડની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ થાય તેવો ઠરાવ બોર્ડ દ્વારા 5 વર્ષથી કરવામાં આવ્યો હતો પણ હજુ સુધી તેનો અમલ શરૂ થયો નથી.સીબીએસઇનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ને બાદ કરતા અન્ય વાર્ષિક પરીક્ષાઓ હવે શરૂ થશે.
ગજરાત બોર્ડ તેમજ સીબીએસઇ સંલગ્ન શાળાઓ મોટી સંખ્યામાં આવેલી છે. સીબીએસઇ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ એપ્રિલ માસમાં થઈ જાય છે. જ્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય છે. આમ, બંને બોર્ડમાં શૈક્ષણિક વર્ષ શરૂ થવાનો સમયગાળો અલગ છે ઉપરાંત રાજ્યમાં પ્રથમ સત્ર અને બીજા સત્રમાં દિવસો પણ મોટો તફાવત જોવા મળતો હતો. પ્રથમ સત્રમાં ઓછા દિવસો રહેતા હતા અને બીજા સત્રમાં વધુ દિવસો રહેતા હતા. જેથી સીબીએસઇની જેમ ગુજરાત બોર્ડમાં પણ એપ્રિલ માસમાં જ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થાય તે માટે પાંચ વર્ષ પહેલા બોર્ડે ઠરાવ બહાર પાડ્યો હતો.
જે તે વખતે કોરોનાના કારણે ઠરાવનો અમલ કરી શકાયો ન હતો. પરંતુ ત્યારબાદ જાણે આ ઠરાવનો અમલ કરવાનું ભૂલાઈ ગયું હોય તેમ હજુ સુધી તેનો અમલ કરાયો નથી. આ મુદ્દે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડો. પ્રિયવદન કોરાટે બોર્ડના ચેરમેનને પત્ર લખીને આવનારા વર્ષથી એપ્રિલથી નવું સત્ર શરૂ કરવા માટે ભલામણ કરી છે.