ભારતના શહેરો ઉપર ફરી વળવા અધીરો થયેલો અરબી સમુદ્ર…શું કોઈ ખતરો મંડાઇ રહ્યો છે ?? વાંચો વિશેષ અહેવાલ
શીર્ષકથી ડરવાની જરૂર નથી. મુંબઈ શહેર ડૂબવાનું નથી. ૨૦૧૯ ની સાલમાં ત્યારના મીનીસ્ટર હર્ષવર્ધને સંસદમાં કહેલું. છેલ્લા વીસેક વર્ષથી આપણે સાંભળીએ છીએ કે ૨૦૪૦-૨૦૫૦ ની આસપાસ મુંબઈ ઉપર દરિયો ફરી વળશે. પણ એવું થવાનું નથી. હર્ષવર્ધનજીએ આવું સ્વતંત્ર સ્ટડી ઉપરથી કહેલું. તેના કરતા પણ વધુ ભરોસાલાયક સ્ત્રોતની વાત કરીએ. જો ત્રીસ વર્ષ પછી મુંબઈ ઉપર સમુદ્રનો ખતરો હોય અને તે ખતરો સાચે જ હોય તો સી-ફેસિંગ પ્રોપર્ટીના ભાવ ઘટી જવા જોઈએ. તેજી-મંદી કે કોઈ સંભવિત કુદરતી આફતના ડર સામે રીયલ એસ્ટેટ બહુ જ સંવેદનશીલ હોય છે. શેરમાર્કેટનો પારો હોય કે અર્થતંત્રનો પારો, તેમાં થતી વધઘટની અસર તરત એસ્ટેટમાં દેખાય. આજ સુધી જુહુ ખાતેના ફ્લેટોના ભાવ ઘટ્યા નથી. વાસીમાં આવેલા મોલની દુકાનોના ભાડા ઘટ્યા નથી. તેનો અર્થ મુંબઈ હજુ બીજા પચાસ વર્ષ સુધી તો નહિ જ ડુબે એ ગેરંટી.
પરંતુ તેનાથી શું નિશ્ચિંત થઇ જવા જેવું છે? ના. મુંબઈ ઉપર સંકટ થોડું મોડું આવશે પણ આવશે તો ખરું જ. ફક્ત આપણને સમય ખબર નથી પણ ખતરો તોળાઈ રહ્યો છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નાસાએ હમણાં જ એક રીપોર્ટ બહાર પાડ્યો એ મુજબ તો ભાવનગર, ઓખા અને કંડલા ઉપર પણ ઘાત છે. સામે છેડે બીજી હકીકત એ પણ છે કે વખતોવખત આવા રીપોર્ટ આવતા રહે છે. ઘણા શહેરો અને ખાસ કરીને બંદરો ઉપર વિનાશની તલવાર લટકી રહી છે તેની ચેતવણીઓ જુદી જુદી એજન્સી કે સ્વતંત્ર અભ્યાસુ નિષ્ણાતો આપતા રહેતા હોય છે. અમુક યુનીવર્સીટીના રીપોર્ટમાં પણ સ્પષ્ટ લખ્યું હોય છે કે પૃથ્વીની પથારી ફરી રહી છે અને તેના માટે જવાબદાર છે માણસ. ત્રીજી કડવી હકીકત એ પણ છે કે ગ્લોબલ વોર્મિંગ સ્પષ્ટ હોવા છતાં માણસ સુધરતો નથી, દેશો સુધરતા નથી, માનવજાત સુધારતી નથી.
અમેરીકાની જગવિખ્યાત અંતરીક્ષ એજન્સી નાસાના સંશોધનના નામે ઘણા વોટ્સએપ મેસેજીઝ ફરતા હોય છે. કોરોનાકાળ પહેલા એવા ફોરવર્ડેડ મેસેજીઝ ડબ્લ્યુ-એચ-ઓના નામે પણ ફરતા. પરંતુ કોવીડની મહામારીએ ‘હુ’ની વિશ્વસનીયતા ઉપર કલંક લગાવી દીધું છે. નાસાએ હમણાં એક રીપોર્ટ આપ્યો. તે વોટ્સએપીયો રીપોર્ટ નથી પણ સાચુકલો રીપોર્ટ છે. તેણે સી-લેવલ પ્રોજેક્શન ટુલ બનાવ્યું છે. જે જગતના જુદા જુદા વિસ્તારમાં સમુદ્રના વધી રહેલા સ્તરની આકરણી કરે છે. એ જ રીપોર્ટ મુજબ ભારતના બાર શહેરો ઉપર સમુદ્રનું જોખમ છે કારણ કે દિવસરાત સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. સમુદ્રનું લેવલ વધે છે તેનું કારણ આપણે જાણીએ છીએ. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો. આ વર્ષે મુંબઈમાં તો ગત વર્ષની જેમ જ જબરદસ્ત વરસાદ પડ્યો છે પણ ગુજરાત ઉપર મેઘરાજાની એટલી મહેરબાની નથી થઇ. કેમ? ગ્લોબલ અને લોકલ વોર્મિંગ!
તાપમાન કેમ વધે? કારણ કે પ્રદુષણ વધે. પ્રદુષણમાં શું હોય? કાર્બનનો અણુ ધરાવતા હોય એવા વાયુઓ અને સોલીડ કણો. જે મશીની એ સૌર ગરમીને પૃથ્વીની બહાર જવા ન દે અને પૃથ્વીના વાતાવરણમાં જ રાખે. ઉત્સર્જીત ગરમીનો નિકાલ ન થાય એટલે દર વર્ષે તાપમાન વધે. વરસાદ ઓછો પડે. હિમશીલાઓ ઓગળે. સમુદ્રના સ્તરમાં વધારો થાય. ધોરણ પાંચના પર્યાવરણમાં આવતી આ સાદી સમજ છે જે ઘણા દેશોના મોટા મોટા નેતાઓના ગળે પણ ઉતરતી હોતી નથી. જેમ કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. પેરીસ ટ્રીટી કરીએ કે વિયેના કરારો કરીએ. દેશોને શાંતિનું પાલન પણ નથી કરવું હતું અને ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ પણ ઓછું નથી કરવું હોતું. લોકોને લોન મળે છે. કાર ને એસી ખુબ ખરીદાય છે. નાના ફ્રીજ તો ગરીબાઈની નિશાની કહેવાય. કબાટ જેવડા બે-ત્રણ કે ચાર ડોરના ફ્રીજની ફેશન છે. જાયન્ટ સ્ક્રીન બધે મુકાય છે. આ બધા ઉપકરણો જે વીજળી વાપરે અને તે વીજળીના ઉત્પાદનમાં જે પ્રદુષણ થાય તે આપણને જ ભારે પડે છે. ખાસ કરીને દુનિયા માંસાહાર તરફ વળતી જાય છે. માંસાહારની આખી પ્રોસેસે દુનિયાની પથારી ફેરવી નાખી છે. માનવજાતની સૌથી મોટી વિલન માંસાહાર છે. પણ એ આદત છોડે કોણ? માંસાહારનો વિરોધ કરનારાઓને ધાર્મિકમાં ખપાવી દેવામાં આવે છે. માંસાહારથી થતા ભયંકર ગેરલાભમાં વિજ્ઞાન છુપાયેલું છે પણ બંધ મગજના લોકોને એ સ્વીકારવું હોતું નથી. લિંગની સાથે જીભને પણ ઓર્ગેઝમ મળવા મંડે ત્યારે દિમાગની બત્તીઓ બંધ થઇ જતી હોય છે.
ઈ.સ. ૨૧૦૦ સુધીમાં પૃથ્વીના તાપમાનમાં ૪.૪ ડીગ્રીનો સરેરાશ વધારો થઇ જશે. ફક્ત એક ડીગ્રી વધેને તો પણ બહુ મોટી ઉથલપાથલ થઇ શકે આપણે દોઢ ડીગ્રી સેલ્શીયસ કરતા વધુ તાપમાન વધારવામાં સફળ નીવડ્યા છીએ. પહેલા કરતા વધુ ઝડપે પૃથ્વીનું તાપમાન વધારવા માટે બધા દેશો કૃતનિશ્ચયી લાગે છે. માણસો પણ ‘હું એકલો શું કરું? મારા એકલાની લાઈફસ્ટાઈલ બદલવાથી થોડો ફેર પાડવાનો છે?’- આવું વિચારીને કોઈ સહેજ પણ પૃથ્વીને રાહત થાય એવું એક પગલું ભરતું નથી. પૃથ્વીનો દાટ વળી રહ્યો છે. નાસાના રીપોર્ટે આપણા દેશના શહેરોની સૂચી આપી છે અને બહુ ચોકસાઈપૂર્વક તેમણે પૂર્વાનુમાન કર્યું છે. આપણે તે જોઈએ-
વર્ષ ૨૧૦૦ સુધીમાં ભાવનગરના દરિયાનું પાણી ૨.૬૯ ફૂટ, કોચીના દરિયાનું પાણી ૨.૩૨ ફૂટ, માર્માંગોઆના દરિયાનું પાણી ૨.૦૬ ફૂટ, ઓખાના દરિયાનું પાણી ૧.૯૬ ફૂટ, તુતીકોરીનના દરિયાનું પાણી ૧.૯૩ ફૂટ, પારાદીપના દરિયાનું પાણી ૧.૯૩ ફૂટ, મુંબઈના દરિયાનું પાણી ૧.૯૦ ફૂટ, કંડલા, ચેન્નઈ અને મેંગલોરના દરિયાનું પાણી ૧.૮૭ ફૂટ, વિશાખાપટ્ટનમના દરિયાનું પાણી ૧.૭૭૭ ફૂટ વધશે. આ આંકડા અત્યારની પરિસ્થિતિ જોતા તારવેલા છે. થોડા વર્ષો પછી આ આંકડા બદલી પણ શકે છે. પણ જો પૂર્વાનુમાનના આકડાઓમાં બદલાવ આવે તો એ વધારા તરફ હશે, ઘટાડા તરફ નહિ. કારણ કે વસ્તી વધતી જાય છે, શહેરો ગીચ થતા જાય છે, માંસાહાર વધતો જાય છે, વૃક્ષો ઘટતા જાય છે, વાહનો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો વધતા જાય છે, કુદરત પ્રત્યેની સંવેદનશીલતા ઘટતી જાય છે.
આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુસમૂહના અમુક ટાપુઓ વર્ષના અમુક મહિનાઓ ડૂબેલા રહે છે. ઇન્ડોનેશિયાના પણ ઘણા ટાપુઓ ડૂબી ગયા છે અને બીજા ડૂબી રહ્યા છે. માલદીવ જેણે ફરવા જવું હોય એ ફરી આવે. માલદીવ ગમે ત્યારે સમુદ્રમાં ગરક થઇ શકે છે. પરવાળાના ખડકોથી બનેલો એ ટાપુસમૂહ તો ઓલરેડી રેડ એલર્ટમાં આવી ગયો છે. માલદીવના પ્રમુખોએ વખતોવખત યુએન અને બીજા વિકસિત દેશો પાસેથી મદદ માંગી પણ કોઈ નક્કર જવાબ મળ્યો નથી. જાપાન પણ ટાપુદેશ છે અને તેનું અસ્તિત્વ પણ દોઢસો વર્ષ પછી કદાચ ન રહે એવું બને. એવું જ અમેરીકાના ન્યુયોર્ક જેવા બંદરો સહીત બીજા શહેરો સાથે થઇ શકે. બ્રિટન પણ સુરક્ષિત રહી શકવાનું નથી. યુરોપિયન દેશોના ઘણા બંદરો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આફિકાના દરિયાકાંઠાના દેશો પણ ચિંતામાં છે. સાઉથ આફ્રિકાના એક પાટનગર કેપટાઉનમાં તો પાણીઈ ભયંકર તંગી વર્તાઈ રહી છે.
દર વર્ષે કરોડો કે અબજો ટન પેટ્રોલીયમ અને તેની પેદાશો સમુદ્રમાં ઢોળાઈ રહી છે. દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ડમ્પ કરવામાં આવે છે. કાંઠા વિસ્તારમાં જમીની પ્રદુષણ પણ ધીમે ધીમે ભૂર્ગભજળ અને છેલ્લે દરિયાના પાણીને દુષિત કરે છે. સમુદ્રરસ્તે જતા જહાજો પણ તેના કચરાનો નિકાલ સમુદ્રમાં કરી નાખતા હોય છે. ક્રુઝની સંખ્યા વધતી જાય છે. એરોપ્લેન અને એરટ્રાફિક પણ ઘણો વધતો જાય છે. ઝેરી કેમિકલોને પણ સમુદ્રના પાણીમાં ઠાલવવામાં આવે છે. મેડીકલ કચરો જમીનમાં દાટવામાં આવે કે તેને સળગાવવામાં આવે. જે સરવાળે વાયુનું અને જમીનનું પ્રદુષણ વધારે. છેલ્લે તો પાઘડીનો વળ છેડે જ આવે. દરિયો દુષિત થાય જ. દરિયાનું સ્તર વધે જ. ગ્લોબલ વોર્મિંગ વધે જ. વસ્તીવધારો તો અટકતો છે નહિ. પરિણામ? ઘણા શહેરોના છેલ્લા દાયકાઓ પસાર થઇ રહ્યા છે.
