એ રાતે ભોપાલની હવામાં ઝેર ભળ્યું હતું… તંત્ર હંમેશા બેજવાબદાર જ રહેશે ?
રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગ હવે બુઝાઈ ગઈ હશે પણ પીડિતોની આંખમાંથી આંસ નથી સુકાયા. હતભાગીઓના પરિવારજનોના હૈયા હજુ ભડભડ સળગે છે. વડોદરામાં ડૂબીને કમોત પામેલા બાળકોના મા-બાપ પણ હજુ દુઃખી છે. સુરતના ટ્યુશનમાં લાગેલી આગમાં અવસાન પામેલા બાળકોના વાલીઓને પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી. અકસ્માતો ગુજરાતમાં થતાં રહે છે. દોષીઓને પૂરતી સજા મળતી નથી અને પીડિતોને ન્યાય મળતો નથી. પ્રજા તરીકે આપણી પણ બેદરકારી ઘણી છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના ઘટી હતી એમાં મનવભૂલ જ જવાબદાર હતી. આજે ત્યાં વસતા લોકો હજુ પણ દુઃખી છે. તેની સાથે થયેલી સીધી વાતચીતના અંશો અહીં મૂક્યા છે.
‘‘સીવણ કામની હું દુકાન ચલાવતો. બીજી ડીસેમ્બર ૧૯૮૪ની રાતે કોઈએ હવામાં સેંકડો ટન મરચાની ભૂકી ઠાલવી હોય એવો અચાનકથી અહેસાસ થવા લાગ્યો. આંખો સખત બળે અને શ્વાસ ન લેવાય. અમે બારીમાંથી જોયું તો કેટલાય લોકો ચીસો પાડતા પાડતા ભાગતા હતા. ગાયો જેવા પાલતું પ્રાણીઓનો આક્રંદ કાન ફાડતો હતો. અમને કોઈને ખબર ન’તી કે હકીકતમાં શું થયું છે. પણ મને એટલો અંદાજ આવી ગયો હતો કે જે પણ કઈ થઇ રહ્યું છે એનું નિમિત યુનિયન કાર્બાઈડ ફેક્ટરી છે. આવા સમયે અમારે ઘરના બારી-બારણાં બંધ કરી ચહેરા ઉપર ભીના પોતા રાખીને બેસી રહેવાની જરૂર હતી. પણ ઈમરજન્સીના સમયે જાતને બચાવવા શું કરવું એટલી સાદી સમજ અમને કંપની પાસેથી કે સરકાર પાસેથી મળી ન’તી. એટલે અમે પણ બધા સાથે ભાગ્યા. અફવાઓ ઉડતી રહેતી હતી. એક મોટું ટોળું શહેરથી દુર ભાગવા રેલ્વે સ્ટેશન તરફ દોડ્યું. અડધા તળાવમાં કુદ્યા.
મેં મારી નજર સામે કેટલાય માણસોને દોડતા દોડતા પડી ગયા હોય અને પછી ઉઠી ન શક્યા હોય એવા દ્રશ્ય જોયા. અમે માંડ બચી શક્યા. બીજે દિવસે કોઈ શહેરમાં જવાની હિંમત ન’તું કરતુ. મારા કુટુંબને પ્રાથમિક સારવાર ન મળી શકી કારણ કે એક જ ડોક્ટર ધરાવતી હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ અને મૃતદેહો હતા. પગ મુકવાની જગ્યા દવાખાનામાં ન’તી. એના પરિણામે મને અંશત: અંધાપો આવી ગયો. મારે દુકાન બંધ કરી દેવી પડી. મારી પાંચ દીકરીઓના સ્વાસ્થ્ય કાયમ માટે બગડી ગયા. ૮૯માં મારી પત્ની કેન્સરથી મરી ગઈ. બસ અત્યારે જે પીડિતો છે, એમના વિકલાંગ બાળકો છે એ એક નોર્મલ લાઈફ જીવી શકે, ઈલાજના પૈસા મળે એ જ હેતુ છે મારી લાઈફનો. અને આમાં ૮૪ પછી કેટલી બધી સરકારો આવી ગઈ, કેન્દ્રમાં અને રાજ્યમાં પણ. હજુ સુધી અમને વળતર નથી મળ્યું.
અમારા કુટુંબો અને જિંદગીઓ છિન્નભિન્ન થઇ ગયા પણ વળતરના નામે નગણ્ય ચિલ્લર મળ્યું છે. નકોરડા ઉપવાસથી માંડીને કેટલીય ચળવળ ને કેટલું કર્યું, પણ સાડા પાંચ લાખ લોકો, જે ગેસ લીકેજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત હતા તે અને તેમની પેઢીઓ દોજખ સમ જીંદગી વિતાવી રહ્યા છે. હદ તો એ છે કે, ત્રણ-ત્રણ દાયકા પછી પણ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીનો પ્લાન્ટ જ્યાં હતો ત્યાં સફાઈ નથી થઇ. અને એનું ઝેર આજ સુધી અમારી રૂટીન લાઈફમાં જ નહિ પણ અમારા જીવન અને મોતમાં પણ ભળી ચુક્યું છે.’’
ભોપાલ ગેસ પીડીત મહિલા પુરુષ સંઘર્ષ મોરચાના કર્તાહર્તા નવાબ ખાન ફોન ઉપર એકી શ્વાસે રોષભેર અવાજમાં, હિન્દીમાં ઉપર લખ્યું એના કરતા કેટલુંય વધારે અને એ પણ હૃદયદ્રાવક હકીકતો જણાવે ત્યારે કઠણ કાળજું ધરાવતા હોય તો ય ગળે ડૂમો અચૂક બાઝે. નવાબ ખાન ઉપરાંત, ભોપાલ ગેસ દુર્ઘટનાને કારણે પાંચ-પાંચ સ્વજનોને કેન્સરમાં ગુમાવી દેનાર મહિલા નામે રશીદા બી, અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાને લેટર લખે છે અને પીડિતોની અરાજકતાના ચોંકાવનારા આંકડા આપે છે. આ બધા આશા રાખે છે કે ઓબામા આ છવ્વીસમી જાન્યુઆરીએ ભારત આવે એ પહેલા અમને પ્રત્યુતર આપે અને એમના દેશની અપરાધી કંપની એમને વળતર આપે. કહેવાની જરૂર ખરી કે ત્રીજી ડીસેમ્બરે અમેરિકા મોકલેલા પત્રનો જવાબ ક્યારેય આવ્યો નહી. ઓબામાની સરકાર પછી બીજી બે સરકાર આવી ગઈ. નો રિસ્પોન્સ એટ ઓલ.
વિરાટવાચકો, ભોપાલ ગેસ દુર્ઘટનાના પછી ભોપાલને નાગાસાકી અને હિરોશિમા સાથે સરખાવવામાં આવતું. તે શહેરોમાં એટમ બોમ્બ ઝીંકાયો. એના કિરણોત્સર્ગની અસર વર્ષો સુધી રહે એમ હતી. પણ, આજે તમે જુવો તો એ બંને નગરોમાં કે ત્યાંના નાગરીકોમાં એ અસર ન જોવા મળે. અમુક મ્યુઝીયમ્સ સિવાય એટમબોમ્બ ઈફેક્ટ જોવા મળતી નથી. એ બંને શહેરો બેઠા થઇ ગયા છે. ભોપાલની દુર્ઘટનાના બે વર્ષ પછી રશિયાના ચર્નોબિલમાં પણ એટમિક રીએક્ટર ફાટ્યું હતું અને એની અસરો પ્રાણઘાતક હતી. પણ વર્તમાન ચર્નોબિલ કે એની બાજુના પ્રીપ્યાત શહેરની સ્થિતિ એકદમ નોર્મલ છે. તો ભોપાલ, દુર્ઘટનાના ચાર દાયકાના વહેણ વીતી ચુક્યા છતાં પણ, હજુ કેમ રિબાય છે? દોઢ લાખ લોકો, માંદગીના બિછાને કેમ કણસી રહ્યા છે? હજારો વિકલાંગ બાળકો અને હજારોની તાદાદમાં રહેલી વિધવાઓ ગણી ગણીને એક-એક ક્ષણ કાઢી રહી છે, છેલ્લા કેટલાંય વર્ષોથી. કેમ ભોપાલના જ પીડિતોએ મરવાના વાંકે જીવતું રહેવાનું?
આ બધા સવાલોના જવાબ મેળવવા માટે બીજા આ સવાલો તરફ ગૌર ફરમાવવા જેવું છે. ભોપાલના ખેડૂતો માટે પેસ્ટીસાઈડ બનાવવા માટે આ કંપનીને પ્લાન્ટ નાખવાની મંજુરી મળી પણ એમાં એટલા બધા ઝેરી રસાયણો બનશે એની સરકારને ખબર હતી? જો હા, તો આવો પ્લાન્ટ કેમ સ્થપાવા દીધો અને જો ના, તો આ સરકારની અક્ષમ્ય બેદરકારી ન કહેવાય? ચાલો, એ માન્યું કે અમેરિકન કંપનીએ ભોપાલના લોકલ લોકોને રોજગાર મળે એ લાલચ આપીને પોતાની પ્રતિષ્ઠા જમાવી દીધી પણ સરકારને અનેક વખત ચેતવ્યા છતાં પણ યુનિયન કાર્બાઈડ પ્લાન્ટના સેફટી પ્રીકોશન, જે કરકસર કરવા બંધ કરી દેવામાં આવેલા, સરકારે ખુદ જાત તપાસ કેમ ન કર્યા? ભોપાલ ગેસ પીડિતોને યોગ્ય વળતર આપવામાં અમેરિકન સરકાર ગલ્લાંતલ્લાં કરે છે એનો ખ્યાલ જે આર ડી તાતાને હતો અને એ સંબધિત લેટર એમણે રાજીવ ગાંધીને ૧૯૮૮માં લખ્યો હતો. તો પણ, અને એના પછી આવેલી આટલી બધી સરકારોની પણ અમેરિકન સરકાર અને એ કંપનીની કૂટનીતિ અને સંવેદનશૂન્યતા વિષે ખ્યાલ કેમ ન આવ્યો?
પ્લાન્ટ પાસે રહેતી મહિલાઓના ધાવણમાં સીસું, પારો અને બીજા કેટલાય ઝેરી કેમિકલ્સ મળી આવ્યા. તો અત્યારે પેશાવરમાં આતંકવાદીઓએ કરેલા નરાધમ કૃત્યના સમાચાર જોતા જોતા સમાંતરે એ વિચાર પણ આવે કે ત્રીસ ત્રીસ વર્ષ પછી પણ એ પ્લાન્ટ અને એના કારણે હળાહળ ઝેરી થઇ ગયેલી જમીન આજ લગી સાફ કેમ નથી થઇ? અમુક સવાલોના જવાબ, અમુક માથાઓને છાવરવાના હોય, મળવાના નથી. અને બાળકો-સ્ત્રીઓ-નિર્દોષ લોકોએ ભોગવવાનું છે. અને આ સવાલનો જવાબ પણ નથી મળવાનો કે એમની અને એમની આગામી પેઢીઓની યાતનાનો અંત ક્યારે આવશે?