રાજ્યમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : મુખ્યમંત્રી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ
- ચિંતન શિબિરમાં થયેલા જૂથચર્ચાના વિષયો પર દરેક જિલ્લામાં ત્રણ-ત્રણ પ્રોજેક્ટ હાથ પર લેવા સૂચના
રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર AI અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે.સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે. તેમણે એમ પણ ઉમેર્યું કે, બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં. સાથે જ મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવા આહવાન કર્યું હતું.
સાથે જ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓમાં સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે, તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કરી દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે. વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.