- રોજ 10 મિનિટમાં 1500 રૂપિયા કમાવાની લાલચમાં 9.61 લાખ ગુમાવ્યા
- ગોંડલના વેપારીએ ઓનલાઈન ટાસ્ક પૂરા કરી કમાણી કરવા જતાં હતા એ પણ ગુમાવ્યા
- ટેલીગ્રામમાં ગઠિયાએ લીંક મોકલી તેમાં ખાતું ખોલાવી સાયબર ફ્રોડ આચર્યું : વેપારી પાસે આઠ અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજ્યમાં સાયબર ગઠિયાઓ દ્વારા અનેક પ્રકારે લોકો સાથે ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોંડલમાં વેપારીને પણ સાયબર ગઠિયાઓ છેતર્યા હતા.જેમાં તેને ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાના બહાને રૂ.9.61 લાખનું સાયબર ફ્રોડ આચરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલમાં માલધારી હોટલની પાછળ કુમકુમ રેસીડેન્સીમાં રહેતાં જીગરભાઈ જમનભાઈ ચોથાણી (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ-અલગ આઠ બેંક ધારક અને એક લિંક ધારકનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટથી વેપાર કરે છે. ગત તા.05/07ના સાંજના સમયે ટેલીગ્રામમાં ફીલ્મ જોતો હતો ત્યારે ટેલીગ્રામમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી એક લીંક આવી હતી. અને જેમા જણાવેલ હતું કે, હું આ કંપનીમા કામ કરૂ છુ અને કંપનીમાં તમે દરરોજના 10 થી 15 મીનીટમા રૂ.800 થી 1500 રૂપીયા કમાઇ શકો છો જેથી ટેલીગ્રામ એપમાં કઈ રીતે રૂપીયા કમાઈ શકાય તેમ મેસેજ કરતાં તેઓએ મોકલેલ લીંકને ઓપન કરો અને તેમા તમારૂ એકાઉન્ટ બનાવો. જેથી તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું.
બાદમાં તેમને લીંકમાં અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા.અને તેઓ ટાસ્ક પૂરા કરતાં એટલે ખાતામાં રિવૉર્ડ જમા થતાં હતા. આમ તેઓએ આ લીંક પર કુલ 9.61 લાખનું રોકાણ કરી નાખ્યું હતું.અને સામે 16 લાખ રિવૉર્ડ પોઈન્ટ જમા થયા હતા. જેથી તે ઉપાડવા માટે પણ વધુ ચાર્જ તેમની પાસે માંગવામાં આવતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડતાં સાયબર પોલીસના હેલ્પ લાઇન નંબર પર ફોન કરી અરજી કરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.