સુરતમાં બે બાર પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા: 41 પ્યાસી પકડાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલીસમાં હડકંપ
સુરત વર્તમાન સ્થિતિમાં પોલિટીકલ સ્ટ્રોંગ કે હબ જેવુ સીટી છે. ત્યાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે લીંબાયત અને ઉધના પોલીસ મથક વિસ્તારમાં ધમધમતા બે બાર (મદિરા પાનના ઠેકાણા) પર દરોડા પાડી બે મહિલા સહિત 43ને દબોચી લીધા હતા. બંને મહિલાને નોટીસ આપી મુક્ત કરાઈ હતી જ્યારે 41ની અટકાયત કરી બંને પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. બારના ઠેકાણા પર દેશી, વિદેશી દારૂ, બીયર, બાઇટિંગ આઇસ માંગો તે સવલત પૂરી પડાતી હતી. બંને સ્થળે મેળો ભરાયો હતો. પોલીસ ત્રાટકતા જ નાસભાગ થઈ પડી હતી. દારૂ, બીયર, વાહનો મળી 7.22લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
ઉધના પોલીસ મથક વિસ્તારના સ્લમ એરિયા ટાઈપ ઉદ્યોગનગર-6માં ખુલ્લેઆમ દારૂ, બીયરનું વેચાણ અને સ્થળ પર પીવાની સવલતની માફક બાર ચાલતો હોય તે રીતે પ્યાસીઓ એકત્રિત થતા હોવાની માહિતીના આધારે એસ.એમ.સી.ના DYSP કે.ટી. કામરીયાની સુચના આધારે PSI એસ. આર. શર્મા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. સ્થળ પર મેળો જામેલ હતો.
વિદેશીદારૂની બોટલો, બીયરનો જથ્થો તેમજ દેશી દારૂ પણ મળી આવ્યો હતો. દેશી, વિદેશીના પીઠ્ઠા પર પ્યાસીઓને દારૂ સર્વ કરતા એક સગીર વયના મળી ચાર નોકર કામ કરતા હતા. ગણેશ છોટુ, શિવમ વિજયકુમાર પાંડે, નન્હેલાલસિંહ રાજપથસિંહ નામના નૌકર તેમજ પીઠ્ઠા પર મોજ કરવા આવેલા રાહુલ નંદલાલ ચૌધરી, મહેશ ચમનભાઈ જાદવ, ધરમદાસ લક્ષ્મણ, નરેશ વિનોદ, મુકેશ અરવીંદ, કિરણ ગોવિંદ, સચીન નરેશકુમાર, સન્ની રાજેશ, રામકશરાય, ભદ્રી પ્રસાદ, રોહિત સમા પ્રસાદ સહિત 25 ઇસમો પકડાયા હતા.
સ્થળ પરથી 256 બોટલ દારૂ, બીયર ટીન, દેશી દારૂ, 18000ની રોકડ, વાહનો લઈને આવેલા ઇસમોના 3.35 લાખના 10 ટુ વ્હીલર, એક રિક્ષા, 27 મોબાઈલ ફોન, પીવા માટે રખાયેલા ટેબલો, પંખા મળી 6,10,046 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પીઠ્ઠાનો સંચાલક નવાબ કમરૂદિન શેખ નામનો શખસ એસ.એમ.સી.ને હાથ લાગ્યો ન હતો. ઝડપાયેલા શખસોની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. પોલીસ મથકમાં પણ મેળો ભરાયો હતો. અચાનક જ દરોડો પડતા અજાણ રહી ગયેલી અથવા તો આંખ મિંચામણ કર્યા હોય તેમ ઉધના પોલીસની ઉંઘ ઉડી ગઈ હતી.
અન્ય એક આવા જ લીંબાયત પોલીસ મથક વિસ્તાર ગતેહ નગરમાં ચાલતા બાર (પીઠ્ઠા) પર એસ.એમ.સી.ની બીજી ટીમે છાપો માર્યો હતો. જ્યાં બે મહિલા સહિત 18 પકડાયા હતા. સુરતના અલગ-અલગ વિસ્તારમાંથી પ્યાસીઓ ઉમટયા હતા. જેમા સોમનાથ શિવા ગોરખભાઈ, અંકિત અન્ના અરવિંદ, અવીનાશ રવિન્દ્ર, રાજકુમાર ભીલાભાઈ, રાજેશ મનુ, રાહુલસિંગ મહેન્દ્રપ્રતાપસિંગ, જાવેદ હુન્નુદિન શેખ, અનીકેત ગોલુ, વિકાસ વિરેન્દ્ર ચૌધરી, પૂરણરાજા નેમારામ મેઘવાળ સહિત 16ને પકડી પાડયા હતા.
બે મહિલાઓ પણ સ્થળ પરથી પકડાઈ હતી. બંનેને નોટિશ આપીને મુક્ત કરી દેવાઇ હતી. જ્યારે દારૂનો બાર ચલાવનાર અશોક ભીમરામ ગવાણે હાથ લાગ્યો ન હતો. સ્થળ પરથી 251 બોટલ દારૂ તથા બીયરના ટીન, મોબાઈલ, આઈસ બોકસ, બાઇટિંગ તેમજ 39,210ની રોકડ મળી 1,12,250નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને લીંબાયત પોલીસ મથક હવાલે કરાયા હતા.
પેમેન્ટ માટે QR કોડ સ્કેનરની પણ સવલત
સુવ્યવસ્થિત રીતે બાર જાણે સ્થાનિક મંજુરીથી ચલાવાતા હોય તે રીતે બંને સ્થળે પ્લાસીઓ કે બીયર, દારૂ લેનારાઓને કેસના બદલે ઓનલાઈન પેમેન્ટ માટે કયુઆર કોડ સ્કેનરની પણ સવલત ઉભી કરાઇ હતી. પોલીસને આવા પાંચ QR કોર્ડ સ્કેનર પણ હાથ લાગતા કબજે કરાયા હતા. રોકડ ઉપરાંત સ્કેનર થકી પણ શોખીનો બોટલ, પેગના નાણાં ચૂકવતા હતા.
નંગ ચિલ્ડ રહે તે માટે ડીપ ફ્રીઝ આઇસ કુલીંગ બોકસ પણ હતા
ગરમી મે ઠંડી કા અહેસાસ થાય તે માટે દારૂ, બીયરની બોટલ ચિલ્ડ રહે તે માટે ડીપ ફ્રીઝર રખાયું હતું. તેમજ આઇસ કુલીંગ બોકસમાં દારૂ, બીયર રખાતો હતો. પ્યાસીઓને સ્થળ પર ઠંડા પીણા પણ મિકસ કરવા મળી રહેતા અને બરફ, પાણી પણ સર્વ થતું. બાઈટિંગ માટે શીંગ ચણાની પણ સગવડ અપાતી હતી.