આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા આવવા સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પૂરી પાડતી રાજ્ય સરકાર
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગરમાં 139 નવીન બસોનું મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
આદિજાતિ પરિવારના 4100થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજ અભ્યાસ માટે પૂરતી સુવિધાયુક્ત પરિવહન સેવાથી ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે
વડાપ્રધાનની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા માટે 72 કરોડ રૂપિયાનું પ્રાવધાન – કુલ 250 બસો સેવારત
તમામ બસો GPS પદ્ધતિથી સુસજ્જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની સુવિધાની ભેટ આપી છે.
આ હેતુસર ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવામાં નવી 139 બસોને તેમણે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે કુલ 33.84 કરોડના ખર્ચે આ નવી 139 બસો આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવી છે.
રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના અંતરિયાળ, દુર્ગમ અને પહાડી પ્રદેશોમાં વસતા આદિજાતિ પરિવારોના બાળકો અને યુવાઓને તેમના વસવાટના સ્થળેથી દૂર આવેલા શાળા-કોલેજોમાં અભ્યાસ માટે અવર-જવરની સરળ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન સહુલિયત માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજનામાં રૂ.72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાની જાહેરાત કરેલી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી ઉજવણી અવસરે ગયા વર્ષે તારીખ 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી આ યોજના અંતર્ગત 111 બસોને લીલી ઝંડી આપીને આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા અન્વયે વધુ 139 બસોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંગળવાર 21 જુલાઈએ રાજ્યના જુદા જુદા વિસ્તારો માટે રવાના કરાવી હતી.
આ બસ સેવાઓનો લાભ અંદાજે 4100થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને શાળા કોલેજે અવરજવર માટે મળતો થશે. એટલું જ નહીં, પરિવહન સુવિધા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે. શાળા કોલેજોમાં નિયમિત હાજરીમાં વધારો અને શાળા છોડવાના દરમાં પણ ઘટાડો થશે.
આ ઉપરાંત, વિદ્યાર્થીના ઘરેથી શાળા અને શાળાએથી ઘર સુધીની સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મળતી થશે. બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન હેઠળ આ તમામ બસોને GPS પદ્ધતિથી મોનિટરિંગ અને રોજેરોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી અપડેટ પણ મળતું રહેશે. શાળા કોલેજ સમય બાદ આ બસોની સુવિધા રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ મળી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાના પ્રથમ તબક્કામાં ફ્લેગ ઓફ કરાવેલી 111 બસોનો રાજ્યના આદિજાતિ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મેળવ્યો છે તેમજ 2026-27ના શૈક્ષણિક વર્ષમાં 5700 જેટલા વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓની અભ્યાસ સુવિધા માટે આ વધુ 139 બસોને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી, રાજ્યમંત્રી પી.સી. બરંડા, જયરામ ગામીત અને રમેશ કટારા તથા આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
