સાહેબ લાઈટ ક્યારે આવશે ! ઉત્તરાયણે **PGVCL કન્ટ્રોલરૂમમાં 2500 કોલ
સવારથી સાંજ સુધીમાં 111 ફોલ્ટ આવ્યા: રાજકોટ શહેરમાં 86 અને સૌરાષ્ટ્ર -કચ્છમાંથી 248 ફરિયાદો મળી
ઉતરાયણ પર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી વીજળી ગુલ થવાની ઢગલાબંધ ફરિયાદો આવી હતી. રાજકોટ શહેરમાં 86 અને સૌરાષ્ટ્રમાંથી 248 ફરિયાદો પીજીવીસીએલ સમક્ષ આવી હતી. મહત્વની અને ચોંકાવનારી બાબત એ છે કે, પીજીવીસીએલના કંટ્રોલરૂમમાં દિવસ દરમિયાન લાઈટ નથી, લાઈટ ક્યારે આવશે તેવા અંદાજે 2500 કોલ આવતા કંટ્રોલરૃમનો સ્ટાફ બે ઘડી માટે પણ નવરો રહ્યો ન હતો.

રાજકોટ શહેર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ દ્વારા ઉતરાયણ પર્વે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દરેક સર્કલમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવી હતી જેમાં રાજકોટમાં એચ.ટી.- 1 મેંગો માર્કેટ, ગ્રીનલેન્ડ, બેડીપરા, સાત હનુમાન, જંગલેશ્વર, નવદુર્ગા ફીડર, એચ.ટી.- 2 હેઠળ ધરમ નગર, મેડીકલ, રેલ નગર, પ્રભાત સોલ્વન્ટ, મીરા નગર ફીડર તેમજ એચ.ટી.- 3 હેઠળ રવિ રત્ન, આલીશાન, ધર્મજીવન, સ્વાતિ પાર્ક, સર્વોદય, રણુજા, સાઈબાબા ફીડર વગેરે વિસ્તારમાં રાજકોટ સિટીમાં કુલ 24 ટીમોને તૈનાત કરવામાં આવી હતી જેમાં એક ટીમમાં 15 વ્યક્તિ મળી કુલ 360 કર્મચારીઓ સતત દોડતા રહ્યા હતા.
વધુમાં રાજકોટ પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણે કુલ 2500 જેટલી ફરિયાદો મળી હતી અને સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 248 ફરિયાદ તેમજ રાજકોટ સિટીમાં કુલ 86 ફરિયાદ મળી હતી. ખાસ કરીને રાજકોટ શહેરમાં સવારથી મોડી સાંજ સુધીમાં કુલ 111 ફીડરમાં ટ્રીપ તેમજ ફોલ્ટ આવેલ હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.