દિવાળી સમયે જ ગુજરાતની તમામ વાઈનશોપના સર્વર ઠપ્પ : છેલ્લા એક સપ્તાહથી ધાંધિયા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં પરમીટધારકો અકળાયા
દિવાળીનું પર્વ હોવાથી કપડાં, ફટાકડા, મિઠાઈ, બૂટ-ચપ્પલ સહિતની ખરીદીમાં જેવો `કરંટ’ દેખાય છે તેવો જ વાઈન શોપમાંથી દારૂ ખરીદવા માટે પણ દોડધામ જોવા મળતી હોય છે. જો કે આ વખતે પરમીટધારકોની માઠી હોય તે પ્રકારે આખા ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સર્વર ડાઉન થઈ જવાને કારણે તમામ વાઈનશોપમાં દેકારો સાંભળવા મળ્યો હતો સાથે સાથે પરમીટધારકો અકળાયેલા પણ જોવા મળ્યા હતા.
આ અંગે વાઈનશોપ્સ સંચાલકોએ જણાવ્યું કે જ્યારે સર્વર ઠીક હોય છે ત્યારે વધુમાં વધુ પંદર મિનિટની અંદર પરમીટધારકના ફોન ઉપર વન ટાઈમ પાસવર્ડ (OTP) આવી જતો હતો. આ ઓટીપી ફિડ કર્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ હોવાથી તે જરૂરી હોય છે. જો કે એક સપ્તાહ કરતા વધુ સમયથી બબ્બે કલાક સુધી ઓટીપી ન આવતા પરમીટધારકે તેની રાહ જોઈને બેસવું અથવા ઉભું રહેવું પડે છે સાથે સાથે વાઈનશોપના સંચાલનને પણ અસર પહોંચે છે. વળી, સર્વર ડાઉન થઈ જવાને લીધે થમ્બ ઈમ્પ્રેશન એટલે કે અંગૂઠાનું નિશાન આપવામાં પણ તકલીફ પડી રહી છે.
આ પ્રકારે આખા ગુજરાતના વાઈનશોપ્સ સંચાલકો દ્વારા લાગુ વિભાગને વારંવાર ઈ-મેઈલ થકી જાણ કરવા છતા ત્વરિત કે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા સીધી વેપાર ઉપર અસર પડવા પામી છે.
દરમિયાન આ વર્ષે વેચાણની વાત કરવામાં આવે તો પાછલા વર્ષોની તુલનાએ આ વખતે થોડો ઘટાડો જણાયો છે. આ પાછળનું કારણ ઘણા બધા પરમીટધારકોની પરમીટ રિન્યુઅલ માટે પડી હોવાનું છે. જ્યારે અમુક પરમીટધારકોએ દિવાળી પહેલાં જ સ્ટોક કરી લીધો હોવા ઉપરાંત સર્વરના ધાંધિયાને કારણે ખરીદી કરવાનું જ ટાળ્યું હતું. ખાસ કરીને બપોરે ત્રણ વાગ્યા બાદ તો સર્વર જાણે કે કામ કરવાનું નામ જ ન લઈ રહ્યું હોય તે પ્રકારે ઓટીપી આવવામાં હદ બહારનો વિલંબ થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યારે આઠ વાઈનશોપ કાર્યરત છે ત્યાં આ પ્રકારે હેરાનગતિ થતા પરમીટધારકોમાં દેકારો બોલી જવા પામ્યો હતો.
