સ્વચ્છતા આપણાં જીવનમાં કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વચ્છતાના તો ગાંધીજી પણ હિમાયતી હતા. ત્યારે હાલ સરકાર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગામડા અને શહેરને સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં આવ્યા હતા અને વિકાસકાર્યોનું ખાતમુહર્ત કર્યું હતું. સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયતથી લઈને જિલ્લાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના જસદણના વાળોદ ગામની શાળા સ્વચ્છતા માટે રાજ્યભરમાં પ્રથમ આવ્યું હતું.

વનગરના ઉમરાળા ગામમાં સામુહિક શૌચાલયમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં
ગ્રામવિકાસ વિભાગ દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ’ અંતર્ગત સ્વચ્છતાને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓને બિરદાવવામાં આવી રહ્યા છે. ભાવનગરના ઉમરાળા ગામમાં સામુહિક શૌચાલયમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા સામુહિક શૌચાલયમાં ઓટોમેટિક સેન્સરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ઉપયોગકર્તા શૌચાલયનો ઉપયોગ કરે તે પહેલાં અને પછી આપમેળે જ પાણી ફ્લશ થાય છે અને સ્વચ્છતા જળવાય છે. આ ઉત્તમ કામગીરી બદલ સરપંચનું આજે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયાએ સન્માન સ્વીકાર્યું
શાળામાં ઉત્તમ સ્વચ્છતાની જાળવણીમાં શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં જસદણ તાલુકાની વાળોદ શાળા રાજ્યકક્ષાએ સન્માનિત થઈ છે. આજે શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયાએ સન્માન સ્વીકાર્યું હતું. જ્યારે શ્રેષ્ઠ સખીમંડળમાં સાબરકાંઠા જિલ્લાના ગલોદ તાલુકાના હરશોલ ગામના જય જોગમાયા સખીમંડળનું સન્માન કરવામાં આવ્યું છે. મંડળના શર્મિષ્ઠાબેન પરમારે આજે સન્માન સ્વીકાર્યું હતું.

સ્વચ્છતામાં શ્રેષ્ઠ ગામ તરીકે ભરૂચના અખોડ ગામની પસંદગી
સ્વચ્છતામાં શ્રેષ્ઠ ગામ તરીકે ભરૂચના અખોડ ગામની પસંદગી થઈ છે. સરપંચ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકીનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરાયું હતું. સ્વચ્છ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે નવસારી જિલ્લાની સેલતાનપુર ગ્રામ પંચાયતનો ક્રમ આવ્યો છે. સરપંચ શશીકાંત પટેલે આજે સન્માન સ્વીકાર્યું હતું. સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકા તરીકે ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો રાજ્યમાં અવ્વલ આવ્યો છે. આજે તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમારે મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો :ગ્રામ પંચાયતોને 576.72 કરોડની મુખ્યમંત્રીએ આપી દિવાળીની ભેટ : જયેશભાઇ જોરદાર, ભૂપેન્દ્ર પટેલના ભાષણમાં અગ્રતાક્રમે
સ્વચ્છતામાં શ્રેષ્ઠ આદિવાસી જિલ્લામાં ડાંગ જિલ્લાને સન્માન
સ્વચ્છતામાં શ્રેષ્ઠ આદિવાસી જિલ્લામાં ડાંગ જિલ્લાને સન્માન પ્રાપ્ત થયું છે. નિયામક એસ. ડી. તબીયારે આજે મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકાર્યું હતું. જ્યારે બિન આદિવાસી જિલ્લામાં અમદાવાદ જિલ્લો પ્રથમ આવ્યો છે, નિયામક એ.એમ. દેસાઈએ આજે મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકાર્યું હતું.
