યુપી, આસામમા વરસાદે કેવો મચાવ્યો તરખાટ ? વાંચો
દેશના કેટલાક રાજ્યોમાં આફતનો વરસાદ થઈ રહ્યો છે અને અનેક લોકોનો ભોગ લેવાઈ ગયો છે. ઉત્તરપ્રદેશ, આસામ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અનરાધાર વરસાદને પગલે બનેલી દુર્ઘટનાઓથી ભારે માનવખુવારી થઈ હતી. રવિવારે મળેલા અહેવાલો મુજબ આસામમાં કૂલ 58 લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં 13 લોકોએ જાન ગુમાવી હતી. એ જ રીતે થાણે જિલ્લામાં ભારે વરસાદ બાદ ફાર્મ હાઉસમાંથી 150 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. થાણેમાં લોકલ ટ્રેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી.
આસામના 29 જિલ્લામાં વરસાદ અને પૂરના કારણે 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે. 27 જિલ્લામાં 577 રાહત શિબિરો બનાવવામાં આવી છે. તેમાં 5 લાખથી વધુ લોકો રહે છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં 15 લાખથી વધુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. 6 ગેંડા સહિત 114 પ્રાણીઓના મોત થયા છે.
યુપીમાં 13 મોત
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં રવિવાર સુધીમાં 13 લોકોના મોત થયા હતા. રાહત વિભાગના જણાવ્યા અનુસાર, વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે, જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા.
થાણેમાં 150 નું રેસ્ક્યૂ
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે વશિંદમાં સૃષ્ટિ ફાર્મ હાઉસની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. લગભગ 150 લોકો ફસાયા છે. તેમનો બચાવ ચાલુ છે. બીજી તરફ મહારાષ્ટ્રના કલ્યાણ-કસારા માર્ગ પર સવારે 6.30 વાગ્યે પાટા પર કાટમાળ જમા થયો હતો. ઝાડ પડતાં ટ્રેક ખોરવાઈ ગયો હતો.
મુંબઈની લોકલ ટ્રેન સેવા બંધ
મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રવિવારે સવારે લોકલ ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. . રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે અટગાંવ અને થાન્સિત સ્ટેશનો વચ્ચે કાદવ જમા થવાને કારણે વ્યસ્ત કલ્યાણ-કસારા માર્ગ પર ભારે વરસાદને કારણે સવારે 6:30 વાગ્યાની આસપાસ ટ્રેકને “અસુરક્ષિત” જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે વાશિંદ સ્ટેશન પાસે એક વૃક્ષ પણ પડ્યું હતું.