નિષ્ઠુર માતાએ સંતાનને બાલાશ્રમના પારણે ત્યજી દીધું : 2 કલાકમાં જ બાળકનું મોત
1 દિવસના બાળકને માતા રાત્રિના 1 વાગ્યે પારણામાં મૂકી જતી રહી : ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં નિષ્ઠુર માતા દ્વારા નવજાત બાળકને ત્યજી દેવાની વધુ એક ઘટના બનવા પામી છે. ગોંડલ રોડ લોધાવાડ ચોક નજીક આવેલા કાઠીયાવાડ બાલાશ્રમના ગેઇટ પાસે રખાયેલા પારણામાં કોઈ રાત્રિના 1 વાગ્યા આસપાસ એક નવજાત બાળકને ત્યજી ગયું હતું. બાળક ત્યજી દેનારે ડોર બેલ વગાડતા ગૃહપતિ પાંચ મિનિટમાં જ ગેઇટ પર આવી ગયા હતા.અને બાળકની તબિયત યોગ્ય ન જણાતા તેને 108 મારફત હોસ્પિટલે ખસેડાયો હતો. અહી તેને બે કલાકની સઘન સારવાર છતાં જીવ ગુમાવતાં અરેરાટી મચી જવા પામી છે.
ઘટનાની વિગતો અનુસાર ગઇકાલ રાત્રિના એક વાગ્યે કાઠીયાવાડ બાલાશ્રમની ડોર બેલ વાગતા ગૃહપતિ જ્યોત્સનાબેન ગેઇટ પાસે આવ્યા હતા. તેમણે અહિ રખાયેલા પારણમાં એક નવજાત બાળકને જોતા તેઓ ચોકી ગયા હતા. બાળક જીવીત હતું.પરંતુ તબિયત નાદુરસ્ત હોવાથી તુરત જ ૧૦૮ને બોલાવી બાળકને સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં પહોચાડયુ હતું. તબિબોએ નવજાત આશરે ૧ દિવસનું હોવાનું જણાવ્યું હતું. અને બાળકની સારવાર શરૂ કરી હતી.
પરંતુ મોડી રાતે સવા ત્રણેક વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.ઝનાના હોસ્પિટલમાંથી એ-ડિવીઝનમાં અને ત્યાંથી ભક્તિનગર પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ પી.એન.ગોહિલે તપાસ શરૂ કરી હતી. અને જન્મ સાથે જ નવજાત પુત્રને કોણે અને શા માટે તરછોડી દીધો? તેની તપાસ કરવામાં આવી રહી છે.