પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે 5 દિવસ બંધ રહેશે રોપ-વે, ભક્તો સીડી દ્વારા દર્શન કરી શકશે
પાવાગઢની મહાકાળી માતાના દર્શનનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત આ સમાચાર ચોક્કસ વાંચી લેજો. નહીંતર પગથિયાં ચડીને ઉપર જવું પડી શકે! પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે આવતા ભક્તો માટે રોપ-વે સેવાને લઈને મહત્વની જાહેરાત થઈ છે. મેઇન્ટેનન્સ કામગીરીના કારણે આગામી 5 દિવસ સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી રોપ-વે સેવા રહેશે બંધ
રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી ૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી નિયમિત મેઇન્ટેનન્સ (સંભાળ અને મરામત) ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તકનીકી કામગીરીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા પાંચ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. ત્યારબાદ, ૮ ઓગસ્ટથી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.
આ પણ વાંચો: રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા
શ્રદ્ધાળુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા
જે ભક્તો આ દરમિયાન પાવાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમણે રોપ-વે શરૂ થવાની રાહ જોવી પડશે અથવા તો પરંપરાગત રીત મુજબ સીડીઓ દ્વારા માતાજીના ચરણોમાં પહોંચીને દર્શન કરવાનો લાભ લેવો પડશે.
પાવાગઢ: આસ્થા અને ઇતિહાસનું સંગમ
વડોદરાથી લગભગ ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ એ ૫૧ શક્તિપીઠોમાંની એક અતિ પવિત્ર શક્તિપીઠ છે, જ્યાં આદ્યશક્તિ મહાકાળી બિરાજમાન છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત, અહીંનો ઐતિહાસિક ચાંપાનેર વિસ્તાર યુનેસ્કોની વિશ્વ હેરિટેજ (World Heritage) ની યાદીમાં પણ સ્થાન ધરાવે છે, જે સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
