RMC 2 લાખમાં 1 BHKના 1056 આવાસ વેચશે! પ્રેમમંદિર પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ પરના આવાસનું કરાશે વેચાણ
રાજકોટમાં અત્યારે હજારો પરિવાર એવા હશે જેમની પાસે ઘરનું ઘર નહીં હોય. આવા પરિવાર માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી છે. જો કે નજીકના ભવિષ્યમાં નવી આવાસ યોજના પણ નિર્માણ પામનાર ન હોય લોકો અત્યારે ઘર માટે આમતેમ દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે મહાપાલિકા દ્વારા માત્ર બે લાખ રૂપિયામાં એક બેડરૂમ, હોલ, કિચનની સુવિધા ધરાવતા 1056 આવાસનું વેચાણ કરવાના નિર્ણયને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા પ્રેમમંદિર પાછળ રવિપાર્ક મેઈન રોડ તેમજ સાધુ વાસવાણી કુંજ રોડ પર બીએસયુપી (બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર) યોજના અંતર્ગત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૈકી 1056 આવાસ ખાલી પડ્યા હોય અત્યંત ખખડી જતા થોડા સમય પહેલાં તેના રિપેરિંગ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
આ પણ વાંચો :35 વર્ષે 106 કરોડના ખર્ચે ભાદરડેમની પાઇપલાઇન બદલાવાશે: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી
આ આવાસ યોજના મહાપાલિકાની અનામત જમીન પર રહેતા અથવા નદી કિનારે વસવાટ કરતા, ચોમાસા દરમિયાન ડૂબમાં ગયેલા ઝુપડાઓમાં રહેતા લોકોને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી. જો કે તેમાં કોઈ રહેવા આવી રહ્યું ન હોય વર્ષોથી ખાલી પડ્યા રહેતા તે ખખડધજ બની જાય તે પહેલાં તેને અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સ મતલબ કે ટોકનદરના ભાડે આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી.
આ પણ વાંચો :રાજકોટની કટારિયા ચોકથી કણકોટ ચોક સુધીનો રસ્તો ફોર-લેન બનશે : 31 કરોડના ખર્ચે રસ્તો બનાવવા દરખાસ્તને મળી મંજૂરી
હવે અત્યારે આ બન્ને આવાસ યોજનાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જે દસેક મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે ત્યારે એ કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મહાપાલિકા દ્વારા 1056 આવાસને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ના નિયમાનુસાર ત્રણ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા તેમજ પોતાનું પાક્કું ઘર ન ધરાવતા હોય તેવા લોકોને બે લાખ રૂપિયામાં આવાસ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં ડ્રો પણ કરવામાં આવશે.
50થી 60 હજાર ફોર્મ ભરાવાનો અંદાજ
તંત્ર દ્વારા એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે અત્યારે અલગ-અલગ આવાસ યોજના હેઠળ અત્યારે એક બીએચકેનું આવાસ 7 લાખમાં મળી રહ્યું છે જેની સામે એટલી જ સુવિધા ધરાવતું બીએસયુપી યોજનાનું આવાસ માત્ર બે લાખ રૂપિયામાં મળી રહ્યું હોય અને તેમાં પણ લોન સહિતની સુવિધા અપાનાર હોવાથી રાજકોટમાંથી 50થી 60 હજાર ફોર્મ ભરાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
