ગોંડલ-જૂનાગઢમાં મુસાફરોને ખંખેરતી રાજકોટની ઓટોરિક્ષા ગેંગ ઝડપાઇ
રાજકોટ શહેરમાં રહેતા અને ઓટોરિક્ષામાં ફરીને અન્ય શહેરમાં મુસાફરના સ્વાંગમાં જઈને ગુનાઓ આચરતી ગેંગ ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઈ ગોંડલ તથા જૂનાગઢમાં આચરેલા ગુનાના ભેદ ઉકેલ્યા છે. ગોંડલ કામ અર્થે ગત તા.10ના ગયેલા રાજકોટના સાવન મગનભાઈ ગળચર એસટી બસમાં પહોંચ્યા આશાપુરા ચોકડીથી ઉતરીને સીએનજી રિક્ષામાં ગુંદાળા ચોકડી જતા હતા, રસ્તામાં તેમનું પર્સ ચાલુ રિક્ષાએ ચોરાયું હતું જે બાબતે સાવનભાઈએ ગોંડલ બી-ડિવિઝન પોલીસને ફરિયાદ કરી હતી.
ગોંડલ પોલીસે વર્ણન અને રિક્ષાના આધારે સીસીટીવી કેમેરો તેમજ અન્ય ટેક્નીકલ સોર્સની મદદથી રાજકોટના પોપટપરા બસ સ્ટેશન પાસે 5/3ના ખૂણે રહેતા નિલેશ ઉર્ફે રણજીત ઉર્ફે કાલી ભૂપત ગેડાણી પરિવારનો અન્ય સભ્ય ધનજી ઉર્ફે ધનો જાડીયો ઉર્ફે કાળો ચોર દેવજી ગેડાણી (બન્નેનું મુળ વતન અંજાર-હળવદ) તેમજ મુંદાના લાખાપર ગામનો વતની અને રાજકોટમાં પરાપીપળિયા પાસે અવધ રેસિડેન્સી બ્લોક નં.214માં રહેતા અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢાને ત્રિપુટીને પકડી પાડી હતી.
મુસાફરના સ્વાંગમાં ફરી ગુના આચરવા ઉપયોગમાં લેવાતી જીજે-૦3-સીટી-2361 નંબરની સીએનજી ઓટો રિક્ષા, 14,130ની રોકડ કબજે લીધી હતી. આરોપીઓએ ગોંડલ ઉપરાંત જૂનાગઢમાં પણ આવી ઢબે ગુના આચર્યાની કબુલાત આપી હતી.
પણ ત્રિપુટી સામે ચોરી સહિતના અન્ય ગુનાઓ નોંધાયેલા છે જેમાં ધનજી ઉર્ફે જાડા સામે દસ ગુના, નિલેશ ઉર્ફે રણજીત સામે ચાર તેમજ અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ સામે ચાર ગુના નોંધાયા છે. રાજકોટ, મોરબી, અમદાવાદના કેરાળા, બાવળા, મીઠાપુર, જામનગરમાં ગુનાઓ આચર્યા છે.