નિવૃત સનદી અધિકારી એસ.કે.નંદાનું 68 વર્ષની વયે નિધન
- અમેરિકા પુત્રીને મળવા ગયા હતા અને હ્રદયરોગનો હુમલો આવ્યો
ગાંધીનગર
ગુજરાત કેડરના નિવૃત IAS અધિકારી ડો. સુદીપકુમાર નંદાનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે અમેરિકા ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ડો. એસ. કે. નંદા અમેરિકામાં તેમની પુત્રીને મળવા ગયા હતા. તેઓ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવવા સાથે નિવૃત્તિ બાદ પણ અનેક ક્ષેત્રોમાં સેવા આપતા રહ્યા છે.
ડો. સુદીપકુમાર નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. ગુજરાત સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન ડો. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી અને પ્રસારણ, નાણાં, ખાદ્ય અને નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ જેવા મુખ્ય સરકારી વિભાગો સફળતાપૂર્વક સંભાળ્યા હતા. ડો. સુદીપકુમાર નંદાને 2002 રમખાણો પછી આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે PMO તરફથી પ્રશંસા સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.
ડો. સુદીપકુમાર નંદા લેખક અને વિચારક પણ હતા. તેઓ પાસે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ, હેલ્થ વગેરે ક્ષેત્રનો અનુભવ હતો. સાથે જ તેમણે વ્યાવસાયિક મહત્વના વિષય પર ઘણા લેખો તેમજ પુસ્તકો લખ્યા હતા.
તેઓ મૂળ જગન્નાથ પુરીના (ઓરિસ્સા) વતની હતા. નિવૃત્તિ પછી ડો. સુદીપકુમાર નંદાએ ગાંધીનગરમાં વસવાટ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે ગાંધીનગર પાસેના અડાલજમાં પુરીની રેપ્લિકા જેવું ભગવાન જગન્નાથનું મંદિર નિર્માણ કર્યું હતું.