18 વર્ષે RCB બન્યું IPL ચેમ્પિયન : વિરાટ કોહલી અનુષ્કાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 17 વર્ષ લાંબા ઈન્તેજારનો આખરે 18મા વર્ષે અંત આવ્યો હતો. છેલ્લા 17 વર્ષથી વારંવાર હાર અને મજાકનો સામનો કરનારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ અંતે પહેલી વખત IPLની ટ્રોફી પોતાના નામે કરી હતી. રજત પાટીદારની આગેવાનીમાં RCBએ રોમાંચક ફાઈનલ મુકાબલામાં પંજાબને છ રને હરાવ્યું હતું. કૃણાલ પંડ્યા, યશ દયાલ અને ભુવનેશ્વર કુમારના યાદગાર સ્પેલના દમ પર બેંગ્લુરુએ 190 રનના સ્કોરને સફળતાપૂર્વક બચાવ્યો હતો અને છ રને મેચ જીતી લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ RCB પહેલાં બેટિંગ કરવા ઉતર્યું હતું અને 20ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા.

RCB વતી ફિલીપ સોલ્ટે 16, વિરાટ કોહલીએ ધીમા પરંતુ મહત્ત્વપૂર્ણ 43, મયંક અગ્રવાલે 24, રજત પાટીદારે 26, લિયામ લિવિંગસ્ટોને 25, જીતેશ શર્માએ 24, રોમારિયો શેફર્ડે 17 અને કૃણાલ પંડ્યાએ ચાર રન બનાવ્યા હતા. બોલિંગમાં પંજાબ વતી અર્શદીપસિંઘે ત્રણ, કાયલે જેમીસને ત્રણ, ઓમરઝાઈ-વિજય વયસ્ક-ચહલે એક-એક વિકેટ ખેડવી હતી. 191 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી હતી પરંતુ વિકેટનું પતન સતત થયે રાખ્યું હતું. ડેથ ઓવર્સમાં પંજાબના બેટરો વામણા પૂરવાર થતાં અંતમાં ભારણ શશાંકસિંઘ ઉપર આવી પડ્યું હતું જેણે છેવટ સુધી લડત આપી હતી પરંતુ અંતમાં તેનો પન્નો ટૂંકો પડ્યો હતો.

પંજાબ વતી પ્રિયાંશ આર્યાએ 24, પ્રભસીમરનસિંઘે 26, જોશ ઈંગ્લીસે 39 , શ્રેયસ અય્યરે એક, નેહલ વાઢેરાએ 15, માર્કસ સ્ટોઈનિસે છ રન તો શશાંકસિંઘે 30 દડામાં છ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. બોલિંગમાં કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં માત્ર 17 રન આપી બે વિકેટ તો ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 38 રન આપી બે વિકેટ મેળવી હતી. તેના સિવાય યશ દયાલે એક, જોશ હેઝલવૂડે એક અને શેર્ડે એક વિકેટ મેળવી હતી.
18 વર્ષે સ્વપ્ન પૂર્ણ થતાં જ વિરાટ કોહલી ગ્રાઉન્ડ પર જ ધુસકે ધુસકે રડી પડયો

IPLની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી IPL મેચ સુધી રમીશ.

ચેમ્પિયન RCBને 20 કરોડ, રનર્સઅપ પંજાબને 13 કરોડનું ઈનામ
IPL -18માં ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 20 કરોડ તો રનર્સઅપ રહેનાર પંજાબ કિંગ્સને 13 કરોડનું ઈનામ મળ્યું હતું. આ ઉપરાંત ક્વોલિફાયર વિજેતા ટીમને સાત કરોડ અને એલિમિનેટર મુકાબલો જીતનારને 6 કરોડનું ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

IPL 2025માં ટોચની 4 ટીમોની ઈનામી રકમ
- વિજેતા ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) – રૂપિયા 20 કરોડ
- રનર-અપ (પંજાબ કિંગ્સ) – રૂપિયા 12.5 કરોડ
- ત્રીજા નંબરની ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ) – રૂપિયા 7 કરોડ
- ચોથા નંબરની ટીમ (ગુજરાત ટાઇટન્સ) – રૂપિયા 6.5 કરોડ
‘વોઈસ ઓફ ડે’ના આંગણે ફાઇનલ મુકાબલો નિહાળવા ક્રિકેટરસિકો ઉમટી પડયા

આ પણ વાંચો : એલોન મસ્કે XChat એપ કરી લોન્ચ : શું WhatsAppને આપશે ટક્કર? ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો
વન-ડે વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ હોય કે પછી IPLનો ફાઈનલ મુકાબલો હોય રાજકોટમાં આ પ્રકારની મેચ જોવા માટે ક્રિકેટરસિકો કેટલા અધીરા હોય છે તે કહેવાની અત્રે જરૂર જણાતી નથી. વળી, આવા હાઈવોલ્ટેજ મુકાબલા વિશાળ સ્ક્રીન ઉપર જોવા મળે તો તો પછી કહેવાનું જ શું ? ક્રિકેટરસિકોની આ ‘તલબ’ને ‘વોઈસ ઓફ ડે’ બરાબર જાણતું હોવાથી આ વખતે IPLની ફાઈનલ મેચ કે જે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ હતી તેનું પ્રથમ બોલથી લઈ છેલ્લા બોલ સુધી વિશાળ સ્ક્રીન ઉપર પ્રસારણની અદ્ભુત વ્યવસ્થા ગોઠવી હતી જેના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઉમટી પડ્યા હતા અને પાછલી દરેક મેચની માફક જ આ મેચમાં પણ ‘વોઈસ ઓફ ડે’ના આંગણે કીડિયારું ઉભરાયેલું જોવા મળ્યું હતું. ક્રિકેટરસિકો પણ RCBના ‘કટ્ટર ચાહક’ હોય તે રીતે દડે-દડે RCB…RCBની ચીચીયારી બોલાવી રહ્યા હોય વાતાવરણ RCB અને કોહલીમય થઈ ગયું હતું.