જામનગરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. અવાર-નવાર ચોરીના બનાવ સામે આવતા હોય છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં 11 લાખની ચોરીના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પેટ્રોલ પંપના માલિકનાનાં ઘરેથી 11 લાખના રોકડની ચોરી તસ્કરો કરી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીની છે જ્યાં શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશભાઈ નામના વૃદ્ધ રાહે છે તેઓ તેમના પરિવાર સાથે સાતમ આઠમના તહેવાર દરમિયાન બહારગામ ફરવા ગયા હતાં. અને પાંચ દિવસ બંધ રહેલાં મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલી રૂા.11 લાખ રોકડા ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ 11 લાખની રોકડ રકમ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, માતબર રકમની ચોરીમાં કોઇ જાણભેદું હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં..
ગત ઓગસ્ટની 26મી તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત ગોવા ફરવા માટે ગયા હતા. ત્યાંથી 31મી તારીખે પરત આવતા પોતાનું ઘર ખોલ્યા પછી કેટલીક સ્પ્રેની બોટલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી, તેથી પોતાના કબાટ ચેક કરતાં તેમાં રાખેલી જુદા-જુદા દરની 11 લાખની ચલણી નોટો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર મામલો સિટી ડી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો. ત્યારબાદ પોલીસએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લઈને cctvના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.