રૂ.8 લાખ પરત મેળવવા પોલીસ મથકના પગથિયા ઘસવા મજબૂર બન્યો રાજકોટનો યુવાન : વડાપ્રધાન સુધી કરવી પડી ફરિયાદ
રાજ્ય સરકારના આદેશથી દરેક પોલીસ મથક દ્વારા અરજદારોએ ગુમાવેલી રકમ તેમજ મત્તા પરત અપાવવા માટે `તેરા તુજકો અર્પણ’ના `રૂપકડા’ નામે પોલીસ પ્રસિદ્ધિ મેળવી રહી છે ત્યારે બીજી બાજુ એક યુવક એવો પણ છે જે પોતાની મહેનતના જ આઠ લાખ પરત મેળવવા માટે છેલ્લા ચાર મહિનાથી પોલીસ મથકના પગથીયા ઘસવા મજબૂર બન્યો છે. યુવકે બા-કાયદા વર્કઓર્ડર મેળવી કામ કર્યું છતાં ક્નસ્ટ્રક્શન કંપની દ્વારા તેને આઠ લાખ જેવી માતબર રકમ પરત ન કરાતા પોલીસનું શરણું લીધું પરંતુ હજુ સુધી ગુનો જ ન નોંધાતાં હાલ તેની હાલત ખરાબ થઈ જવા પામી છે.
આ અંગે શહેરના 150 ફૂટ રિંગરોડ પર ભારતીનગર શેરી નં.4/કેના ખુણે ચંદ્રાવિલા નામના મકાનમાં રહેતા ઋષિક અજયભાઈ ચાવડાએ `વોઈસ ઓફ ડે’ની મુલાકાત લઈ જણાવ્યું હતું કે ગત વર્ષે 19-8-2024ના કચ્છના આદિપુર ખાતે કાર્યરત શ્રી હોલ કૃપા ક્નસ્ટ્રક્શનના નવિનભાઈ પ્રેમજીભાઈ સોરઠિયા સહિતના મારફતે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં.4 અને 5નું ફેબ્રિકેશન કામ રાખ્યું હતું. આ કામ 11 લાખ રૂપિયામાં મળ્યું હતું જેમાંથી હજુ સુધી માત્ર ત્રણ લાખનું ચૂકવણું જ કરવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થઈ ગયાને છ મહિના જેવો સમય વીતી ગયો હોવા છતા હજુ સુધી પૈસા ચૂકવવામાં આવી રહ્યા નથી. આ માટે અનેક ઉઘરાણી કરવા છતાં ક્નસ્ટ્રક્શન કંપનીના જવાબદારો દ્વારા સરખો જવાબ મળી રહ્યો ન હોવાથી પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવ્યા બાદ ગત 24-5-2025ના ઋષિકને બજરંગવાડી પોલીસ ચોકી ખાતે નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. જો કે ત્યાંથી એવો જવાબ આપીને રવાના કરી દેવાયો કે રેલવે સ્ટેશનનો વિસ્તાર પ્ર.નગર પોલીસ મથકમાં આવતો હોવાથી ત્યાં જવું પડશે. આ પછી અરજી પ્ર.નગર પોલીસ મથક ખાતે રવાના થતા 28-5-2025ના ઋષિકને પ્ર.નગર પોલીસ મથક ખાતે બોલાવાયો હતો અને ત્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
નિવેદન નોંધ્યાને ચાર મહિના પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો ન હોવાથી હાલ યુવક પોતાના જ પૈસા માટે આમતેમ વલખાં મારી રહ્યો છે.
વડાપ્રધાન સુધી ફરિયાદ કરવી પડી
ઋષિકે વડાપ્રધાન કાર્યાલય સુધી પણ પોતાની ફરિયાદ પહોંચાડી હતી. આ પછી કાર્યાલય તરફથી પણ ફોન આવ્યા બાદ ઋષિકે ત્યાં પણ પોતાનો જવાબ લખાવ્યો હતો. બીજી બાજુ ઋષિકનું માત્ર એટલું જ કહેવું છે કે આટલો સમય પસાર થઈ ગયો છતા શા માટે પોલીસ ગુનો દાખલ કરતી નથી ?
