સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં વધુ એક પકડાયો
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી યુવાનની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
બોલિવૂડના અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના મામલામાં ફરીવાર રાજસ્થાન કનેક્શન સામે આવ્યું છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી અને તેને મુંબઈ લઈ આવી હતી.
મુંબઇમાં બનવરીલાલ ગુર્જર નામના આ યુવકની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બુંદીના એસપી મીનાએ એમ કહ્યું હતું કે, પકડાયેલો આ આરોપી લોરેન્સ ગેંગથી પ્રભાવિત છે. પાછલા દિવસોમાં એક યુટ્યુબ ચેનલ પર લોરેન્સ ગેંગની ચર્ચા કરીને તેણે સલમાન ખાનની હત્યા અંગેની ચર્ચા કરી હતી.
રાજસ્થાનમાંથી પકડાયેલા આ આરોપીની ભૂમિકા શું રહી છે? તે બારામાં તપાસ થઈ રહી છે. મુંબઈ પોલીસ દ્વારા તેની પૂછપરછ રવિવારથી શરૂ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેની સામે કેસ દાખલ કરી દીધો છે. મુંબઈ પોલીસ દેશભરમાં આ કેસ બારામાં તપાસ કરી રહી છે.