રાજકોટ : સોમનાથ સોસાયટીમાં માલ વાહક લિફ્ટમાં ફસાતા મહિલાનું મોત ; બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે ૧૫૦ ફિટ રીગ રોડ પર નાગરિક બેકવાળી શેરી સોમનાથ સોસાયટીમાં આવેલા ટુર ટ્રાવેલ્સ સંચાલકના ઘરે કામ કરવા આવતાં નવાગામના મહિલા રાતે ફળીયામાં આવેલી માલવાહક લિફટમાં ફસાઇ જતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જયારે સ્થાનિકો દ્વારા ઇલેક્ટ્રીક કટરથી લોખંડના ગડર કાપીને તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
માહિતી મુજબ નવાગામ માંધાતા સોસાયટીમાં – રહેતા રેખાબેન શૈલેષભાઇ રાવરાણી (ઉ.વ.૩૭) ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમા ટૂર-ટ્રાવેલ્સના સંચાલક શૈલેષભાઈ પાંભરના ઘરે પાછળના ફળીયાના ભાગે માલવાહક લિફટ પાસે ઉભા રહીને નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક માલવાહક લિફ્ટ ચાલુ થતાં તેમાં ફસાઇ ગયા હતાં. બનાવ પગલે દોડધામ મચી ગઇ હતી. નજીકમાં ગેરેજ હોઇ ત્યાંથી કોઈ કટર લાવ્યું હતું અને ફસાયેલા રેખાબેનને લિફટના લોખંડના ગડર કાપી બહાર કાઢયા હતાં. બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા પરંતુ અહિ તેમનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું.
આ મામલે યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, મૃત્યુ પામનાર રેખાબેનના પતિ વાળંદ કામ કરે છે. રેખાબેન ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર શૈલેષભાઇ સાથે યાત્રા ટૂરમાં વડિલોની દેખરેખ અને રસોઇનું કામ કરવા માટે જતાં હતાં અને તેમના ઘરનું કામ કાજ કરતા હતા. દિવાળીના તહેવારમાં આ બનાવ બનતાં બે સંતાને માતા ગુમાવી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.