સ્પેનમાં ભારે વરસાદના કારણે આવેલા ભયંકર પૂરે અકલ્પ્ય વિનાશ સર્જ્યો : 100 લોકોનાં મોત, સેંકડો લાપતા
સ્પેનમાં મંગળવાર અને બુધવારે આવેલા ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા ભયંકર પૂરે અકલ્પ્ય વિનાશ
સર્જ્યો છે. બુધવાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય સેંકડો લોકો લાપતા બન્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી બચાવ ટુકડીઓ પહોંચી પણ ન શકતા મૃત્યુ આંક વધવાનો ભય સેવાઈ રહ્યો છે.
અગાઉ 1973 માં સ્પેનમાં થયેલી આવી જ જળ હોનારતમાં 150 લોકો માર્યા ગયા હતા તે પછીની છેલ્લા પાંચ દાયકાની આ સૌથી મોટી કુદરતી આફત હતી.આ હોનારતને રાષ્ટ્રીય આફત જાહેર કરી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
સ્પેનમાં મંગળ અને બુધવારે આભ ફાટ્યું હતું. દક્ષિણ પૂર્વ સ્પેનના કેટલાક વિસ્તારોમાં આખા વર્ષમાં પડતો હોય એટલો વરસાદ એક જ દિવસમાં વરસી જતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. અસરગ્રસ્ત લોકોના જણાવ્યા મુજબ થોડી મિનિટોમાં જ નગરની શેરીઓમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં અનેક લોકો અને વાહનો તણાઈ ગયા હતા. સરકારના મંત્રી વિકટર રાફેલે સ્થિતિને અતિ ગંભીર ગણાવી અને લાપતા થયેલા લોકોનો સત્તાવાર આંકડો જાહેર કરવાની અસમર્થતા દાખવી હતી.
ભયંકર પુર અને વરસાદને કારણે શાળાઓ રમત-ગમતના મેદાનો અને બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. વેલેન્સિયા નામના શહેરમાં અનેક લાશો તરતી નજરે પડી હતી. અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ઈમરજન્સી સેવા પહોંચાડવાનું પણ મુશ્કેલ બન્યું હતું. લોકોએ ઘરની બહાર પાર્ક કરેલી સેંકડો ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોના મકાનો અને રાચરચીલાને નુકસાન થયું હતું. વડાપ્રધાન પેડ્રો એ ટેલિવિઝન ઉપર દેશવાસીઓને કરેલા સંબોધનમાં આ ભયંકર કુદરતી આફત અંગે દુઃખની લાગણી કરી લોકોને સત્તર રહેવા અને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી.