રાજકોટના ત્રિકોણબાગ પાસે એસ.ટી બસે અડફેટે લેતા મહિલાનું મોત, 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરના ત્રિકોણબાગ નજીક ચાલીને જતી 45 વર્ષીય મહિલાને એસ.ટી. બસના ચાલકે અડફેટે લીધી હતી. તુરંત જ તેણીને 108 મારફતે સિવિલમાં ખસેડતાં સારવાર દરમિયાન ગઈકાલે મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
બનાવની વિગતો અનુસાર લક્ષ્મીવાડી શેરી નં 18 માં રહેતા 45 વર્ષીય જ્યોતિબેન ગોપાલભાઈ સોલંકી ગત મંગળવારના રાત્રીના 11 વાગ્યા આસપાસ પોતે ઘરેથી ચાલીને જાગનાથ સોસાયટીમાં આવેલ મેલડી માતાજીના મંદિરે જતા હતા. ત્યારે ત્રિકોણબાગ નજીક રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવેલી એસ.ટી બસના ચાલકે મહિલાને ઠોકરે લેતાં તેણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.અહીં હાજર રાહદારીઓ દ્વારા મહિલાને 108 મારફતે તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મૃતકના પરિવારનું નિવેદન નોંધી એસ.ટી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક જ્યોતિબેન મંગળવારે માતાજીના દર્શન કરવા ચાલીને જતાં તે દરમિયાન આ ઘટના બનાવ પામી હતી.તેણીને સંતાનમાં એક પુત્ર અને 3 પુત્રી હોય જેણે માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.